Vadodara

વડોદરા : એમએસયુમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વિરોધ પ્રદર્શન જારી

એજીએસયુએ પ્રતિક ઉપવાસ કરી સત્તાધીશોને પુનઃ 24 કલાકનું આપ્યું અલ્ટીમેટમ :

કોઈ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહિ રહે હજી બીજો અને ત્યાર બાદ ત્રીજો રાઉન્ડ કરવામાં આવશેની સ્પષ્ટતા :

( પ્રતિનિધિ ) વડોદરા તા.20

એમ.એસ.યુનિવર્સીટીમાં કોમન એકટ લાગુ કરાયા બાદ સ્થાનિક વિદ્યાર્થીઓજ મુશ્કેલીના ખપ્પરમાં હોમાયા છે. સ્થાનિક વિદ્યાર્થીઓને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગણી સાથે આંદોલન શરૂ થયા છે. જેમાં પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જોડાયા છે. ત્યારે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યા બાદ એજીએસયુ દ્વારા ધરણા પ્રદર્શન કરી પ્રવેશથી વંચિત રહેલા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માંગણી કરી હતી. અને જો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહિ આવે તો અંતિમ કક્ષાના આંદોલનની શરૂઆત થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી આંદોલનો કરવામાં આવી રહ્યા છે. કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મુદ્દે અનામતનો ક્વોટા ઘટાડીને 50% કરી 75% પર એડમિશન અટકાવવામાં આવ્યું છે. જેના કારણે યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. ત્યારે હિત રક્ષક સમિતિ હેઠળ ઉગ્ર આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરથી પરત ફરેલા વીસીએ પીસી યોજી 1400 બેઠકો વધારવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ ત્યારબાદ પણ અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા શહેરના તમામ વિદ્યાર્થીઓને સમાવી લેવાની માંગણી સાથે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોને 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ અલ્ટીમેટમ પૂરું થતાં એજીએસયુ ગ્રુપના વિદ્યાર્થી આગેવાનો અને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચી પ્રતિક ઉપવાસ યોજ્યા હતા અને યુનિવર્સિટીના પીઆરઓ પ્રો. હિતેશ રાવિયાને આવેદનપત્ર આપી વડોદરા શહેરના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવાની માંગણી કરી હતી.

24 કલાકમાં નિર્ણય લેવામાં નહિ આવે તો અંતિમ દોરનું આંદોલન શરૂ કરાશે :

જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે તેઓ અને તેમના વાલીઓને સાથે રાખીને યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવ્યા હતા. અમારા દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. ધરણા પ્રદર્શન કર્યું હતું. જે 1400 સીટો વધારવામાં આવી છે. એનાથી અમે નાખુશ છે. નિર્ણયનો અમે અસ્વીકાર કરીએ છીએ. જ્યારે સ્થાનિક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પાસ થયા હોય અને એ લોકોનો સર્વપ્રથમ અધિકાર છે. એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો હતો. તો એવા વિદ્યાર્થીઓને એડમિશન કેમ ના મળે આવનાર 24 કલાકમાં જો વિદ્યાર્થીઓના હિતમાં ડિસિઝન આપવામાં નહીં આવ્યું તો અમારા દ્વારા અંતિમ દોરનું જે આંદોલન છે તે શરૂ કરી દેવામાં આવશે : પંકજ જયસ્વાલ

હજી પહેલો રાઉન્ડ છે જીકાસ દ્વારા પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ અને ત્યારબાદ ત્રીજો રાઉન્ડ પણ થશે :

જે વિદ્યાર્થીઓ ધરણા કરવા આવ્યા હતા તે બાબતે સ્પષ્ટતા કરીએ છીએ કે વીસી, સાંસદ અને સરકાર દ્વારા ચર્ચા પરામર્શ બાદ કોમર્સ ફેકલરીમાં જે 1400 સીટો વધારવામાં આવી છે. તેમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ વડોદરાના સ્થાનિક છે. જેને ઓલરેડી એડમિશન અત્યારે અપાઈ ગયા છે. તે સંખ્યા 4000 ઉપર છે અને હજી પણ જે વિદ્યાર્થીઓએ ફી નથી ભરી એ તમામ વિદ્યાર્થીઓની એડમિશનની કાર્યવાહી પૂરી થઈ જાય, કોમર્સ ફેકલ્ટીમાં તમામે તમામ 7200 સીટ ભરાઈ જાય. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ સ્થાનિક બાકી રહેશે. તેના માટે અન્ય ફેકલ્ટીમાં પણ પ્રવેશની વ્યવસ્થા કરવાની યુનિવર્સિટીએ વિચારેલ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને એક જ વિનંતી છે કે, જ્યાં સુધી કોમર્સ ફેકલ્ટીની તમામે તમામ સીટ ભરાઈ ન જાય ત્યાં સુધી શાંતિ રાખી અને બીજા રાઉન્ડમાં પણ એ અંગેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. આ હજી પહેલો રાઉન્ડ છે, જીકાસ દ્વારા પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ શરૂ થશે, ત્યારબાદ ત્રીજો થશે. આમ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી આ બાબતથી ચિંતિત છે : પ્રો.હિતેશ રાવિયા, પીઆરઓ

વડોદરા શહેર અને જીલ્લાના આંગળી ઊંચી કરી કોમન એક્ટ પસાર કરાવનાર ધારાસભ્યોને ઘેર મોરચો માંડવો જોઈએ :

ખરેખર જો સ્થાનિક વિધાર્થીઓ ને કોમર્સ માં એડમીશન મળે એવું પૂર્વ સીન્ડીકેટ સભ્યો અને પૂર્વ વિધાર્થી નેતાઓ ઈચ્છતા હોય તો વડોદરા શહેર અને જીલ્લાના આંગળી ઊંચી કરી કોમન એક્ટ પસાર કરાવનાર ધારાસભ્યોને ઘેર મોરચો માંડવો જોઈએ. હજુ પણ આવી જ પરિસ્થિતિ આગામી વર્ષોમાં સર્જાવાની છે. કારણ કે આંગળી ઉંચી કરીને પસાર કરેલા ધ ગુજરાત પબ્લિક યુનીવર્સીટી એક્ટ 2023 ના નિયમો મુજબ સમગ્ર ગુજરાત ના વિધાર્થીઓને એક સરખો લાભ મળશે. ત્યારે આનો કાયમી ઉકેલ માટે વડોદરા શહેર અને જીલ્લાના ધારાસભ્યોની અનુમતિ થી લદાયેલા કોમન એક્ટમાં એમએસયુને ગવર્નીંગ બોડી ગણી ને સ્થાનિક વિધાર્થીઓ માટે ૮૦% એડમીશન રાખવામાં આવે તેવો સુધારો વિધાનસભા માં રજુ કરી ને મંજુર કરાવવો જોઈએ અને આ માટે ખરેખર પૂર્વ સીન્ડીકેટ સભ્યો અને તેમના અનુયાયીઓને ચિંતા હોય તો એમણે વડોદરા શહેર જીલ્લા ના ધારાસભ્યોને ઘેર મોરચો માંડવો જોઈએ. : શૈલેષ અમીન, એડવોકેટ

ફેકલ્ટીની ભૂલના કારણે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહયા છે :

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આર્ટસ ફેકલ્ટી ખાતે ડીન ઓફિસમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય વિષય ફેકલ્ટી દ્વારા અપટેડેટ મેરીટ લીસ્ટ નાખવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ મેરીટ લીસ્ટમાં જે વિદ્યાર્થીઓના નામ હતા. તે વિદ્યાર્થીનું નામ આ લીસ્ટમાં આવ્યું નથી તો ક્યાંકને ક્યાંક ફેકલ્ટીની ભૂલના કારણે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહયા છે. તો વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે, યુનિવર્સિટી તંત્ર દ્વારા આ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે અને ડીન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓનું નામ બીજા લિસ્ટમાં આવ્યું નથી, તે વિદ્યાર્થીઓને દ્વિતીય રાઉન્ડમાં સમાવેશ કરવામાં આવશે. : અક્ષય રબારી , એબીવીપી

Most Popular

To Top