વિદ્યાર્થી આગેવાન-વાલીઓનું ભેગા મળી મેઈન બિલ્ડીંગ ખાતે વિરોધ પ્રદર્શન :
વિરોધ કરનારની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત..
વિદ્યાર્થિનીને પ્રવેશ ન મળતા તેની તબિયત પણ લથડી,108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા કરાઇ નથી. જેના પગલે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોના પ્રવેશ નહીં આપવાના નિર્ણય સામે વાલીઓ-વિદ્યાર્થીઓમાં ભારે રોષે ભરાયેલા છે. ત્યારે મંગળવારે કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે વિદ્યાર્થીઓ નેતાઓ અને વાલીઓએ મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
એક વિદ્યાર્થિનીને પ્રવેશ ન મળતા તેની તબિયત પણ લથડી હતી. એમ.એસ.યુનિવર્સીટીમાં વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ ધો.12 પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગમાં ડીનની ઓફિસની બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. કોમર્સ ફેકલ્ટીમાં અત્યાર સુધી 6500 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે 7200 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.આમ છતાં 700 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. ધો.12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી, હર્ષિલ વાઘેલા અને તુફાન જોશીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
હું કોમર્સ ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાયનું મોં કાળુ કરીશ :નિખિલ સોલંકી,
પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છેલ્લા દસ બાર દિવસથી રજૂઆત કરવા માટે આવે છે. તમારી એવી તો કઈ મજબૂરી છે કે, તમે પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને એડમિશન આપતા નથી. કેતન ઉપાધ્યાયના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. ડીન કહે છે કે, મારી પાસે શિક્ષકો નથી, તો એ એમનો પ્રશ્ન છે એમને શિક્ષકોની નિમણૂક કરવી જોઈએ. ભૂતકાળમાં અન્ય ડીન દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન આપવામાં આવતા હતા તો આ ડીન દ્વારા આપવામાં આવતા નથી. આ ડીનની આ નીતિને કારણે વિદ્યાર્થીઓ તેનો ભોગ બની રહ્યા છે. ડીન જો વિદ્યાર્થીઓને એડમિશન આપી શકતા ન હોય તો તેમણે તેમના પદ પરથી રાજીનામુ આપી દેવો જોઈએ. હું કેતન ઉપાધ્યાયનું મોં કાળુ કરીશ. : નિખિલ સોલંકી, વિદ્યાર્થી નેતા