રક્ષિત ચોરસિયા લો ફેકલ્ટીમાં કરતો હતો અભ્યાસ
ભૂતકાળમાં પણ અનેક વિદ્યાર્થીઓને મારામારી સહિતના બનાવોમાં યુનિવર્સીટીમાંથી કરાઈ છે હકાલપટ્ટી તો રક્ષિતને કેમ નહીં ?


( પ્રતિનિધિ )વડોદરા,તા.17
સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર વડોદરાના રક્ષિત કાંડ મામલે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ મેદાનમાં આવ્યું છે. રક્ષિત ચોરસીયાને યુનિવર્સિટી માંથી સસ્પેન્ડ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓ એકત્ર થઈ યુનિવર્સિટી ખાતે તેનો ફોટો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
વડોદરા શહેરના બહુ ચર્ચિત રક્ષિત કાંડના આરોપી રક્ષિત ચોરસિયાને યુનિવર્સીટી માંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી એનએસયુઆઈ દ્વારા માંગણી ઉઠી છે. ગત તારીખ 13 મી માર્ચના રોજ કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક ગંભીર અકસ્માત થયો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં જે આરોપી હતો તે એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. સમગ્ર દેશમાં આ ઘટનાને લીધે ચકચાર મચી ગઈ છે. જેમાં મહારાજા યુનિવર્સિટીનું નામ ખરાબ થઈ રહ્યું છે તેવા આક્ષેપ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થી કાયદા અંગેનો અભ્યાસ કરતો હોય અને પોતે જ કાયદાના નિયમનું પાલન ન કરે તેવા વિદ્યાર્થીને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરી બરખાસ્ત કરવામાં આવે તેવી એનએસયુઆઇએ માંગણી કરી છે. ભૂતકાળમાં પણ જ્યારે યુનિવર્સિટી નો કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીમાં કોઈ સામાન્ય મારા મારી કે અન્ય ગુનામાં પકડાય તો યુનિવર્સિટી દ્વારા તેવા ઘણા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીથી દૂર કરવામાં આવ્યા હતા. જોકે આ તો એક ગંભીર ગુનો છે. જેમાં એક વ્યક્તિનો જીવ પણ ગયો છે, સાથે સાથે રક્ષિત નશાની હાલતમાં જોવા મળી રહ્યો હતો અને સાથે આરોપી રક્ષિત ચોરસીયાનો ફોટો પણ NSUI દ્વારા બાળવામાં આવ્યો હતો. જેથી આવા વ્યક્તિને યુનિવર્સિટી દૂર કરે અને એક સારું ઉદાહરણ યુનિવર્સિટી માટે ઊભું કરે તેવી એનએસયુઆઇ દ્વારા માંગણી કરવામાં આવી છે.
