ભા.શિક્ષણ મંડળના 56માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં અધ્યક્ષતા પ્રો.વિજય કુમાર શ્રીવાસ્તવને સોંપતા વિવાદ
રજૂઆત બાદ તાત્કાલિક વિજયકુમારના નામને દૂર કરી ઈન્ડ્સ વિશ્વ વિદ્યાલયના રામશર્માને અધ્યક્ષતા સોંપાઈ

( પ્રતિનિધિ )વડોદરા,તા.16
ભારતીય શિક્ષણ મંડળ ગુજરાત પ્રાંત કર્ણાવતી મહાનગરના 56 માં સ્થાપના દિવસના અવસર ઉપર આગામી તારીખ 21મી એપ્રિલના રોજ ઈન્ડસ યુનિવર્સિટી અમદાવાદ મુકામે આયોજિત કાર્યક્રમની અધ્યક્ષતા માટે પત્રિકામાં વિજય કુમાર શ્રીવાસ્તવના નામનો ઉલ્લેખ કરવામાં આવતા એમએસ યુના પ્રોફેસર સતીશ પાઠકે આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે વિજયકુમાર શ્રીવાસ્તવની નામની બાદબાકી કરી તેમની જગ્યાએ ઈન્ડ્સ વિશ્વવિદ્યાલયના સેન્ટર ફોર ઈંડિક સ્ટડીઝના સંયોજક રામ શર્માજીની અધ્યક્ષતા તરીકે નવી પત્રિકા જારી કરી હતી.
એમએસ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના પ્રોફેસર સતીશ પાઠકે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ભારતીય શિક્ષણ મંડળ દ્વારા તા. 21 એપ્રિલ 2025 ના રોજ ઈન્ડ્સ યુનિવર્સિટી, અમદાવાદ મુકામે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેનાર છો. જે અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે. પરંતુ વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવનાર અને આ કાર્યક્રમની અધ્યક્ષતા કરનાર વિજય કુમાર શ્રીવાસ્તવ આ કાર્યક્રમમાં આપની સાથે મંચ પર બિરાજે તે આપની, સંઘની અને સરકારની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠાને લાંછન લગાવે તેવી બાબત છે. કારણકે વિજય કુમાર શ્રીવાસ્તવની ગેરલાયકાત બાબતે તેમની સામે ચાલતા હાઈકોર્ટના કેસને લીધે તેઓએ વડોદરાની ખ્યાતનામ મ.સ.યુનિવર્સિટીના કુલપતિ પદેથી અત્યંત શરમજનક રીતે રાજીનામુ મૂકવું પડ્યું હતું. આ મુદ્દે સરકારે કે સંધે ક્યારેય તેઓને છાવરવાનો કે બચાવવાનો પ્રયત્ન સુદ્ધાં કર્યો નથી. ભારતીય શિક્ષણ મંડળ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ બની બેઠેલા આ વિવાદાસ્પદ વ્યક્તિ વિજય કુમાર શ્રીવાસ્તવે માતૃભૂમિની સેવા હેતુ સમર્પિત, અનુશાસન અને નિષ્ઠાના પર્યાય અને વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન RSS તેમજ રાજ્યની સંવેદનશીલ સરકાર સાથે છેતરપિંડી આચરી છે. આપના પ્રતિ અમારી અતિ સમ્માનની લાગણી અને ઉપરોક્ત બાબતોની સૂચક ગંભીરતાને ધ્યાને લઈને કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી ના આપો તે માટે રજુઆત કરી હતી. આ રજૂઆત ધ્યાને આવતા ની સાથે જ તાત્કાલિક કાર્યક્રમની પત્રિકામાંથી વિજયકુમાર શ્રીવાસ્તવ ના નામ અને દૂર કરવામાં આવ્યું હતું અને તેમની જગ્યા પર અધ્યક્ષતા માટે ઈન્ડ્સ રામ શર્માજીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.