Vadodara

વડોદરા : એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી સગીરાને  ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ

સગીરાને મળવા બોલાવ્યા બાદ બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારી યુવકે મોબાઇલમાં બીભત્સ ફોટા પણ પાડી લીધા

ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શરીર સંબંધ બાંધ્યા, ગોળી ખવડાવી બે વાર ગર્ભપાત પણ કરાવ્યો, યુવકે સગીરાને તને રખેલ તરીકે રાખીશ તેમ કહી  જાતિ વિષયક અપશબ્દો ભાડ્યા

સગીરાને આરોપીએ રૂપિયા ચાર લાખ વળતર પેટે ચૂકવવા માટેનો પણ કોર્ટે હુકમ કર્યો

વડોદરા તારીખ 11

સાવલી તાલુકામાં આવેલી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીનીને મળવા માટે બોલાવ્યા બાદ યુવક વડોદરાના અમિતનગર ખાતે આવેલા તેના મિત્રના ઘરે લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. શરીર સંબંધ બાંધતી વેળાના બીભત્સ ફોટા પણ પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. ત્યારબાદ  યુવકે ફોટા વાયરલ કરવાની ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ ગુજાર્યું હતું. વારંવાર શરીર સબંધ બાંધવામાં સગીરા બે વાર ગર્ભવતી બનતા યુવકે ગોળી ખવડાવીને બે વાર ગર્ભપાત પણ કરાવ્યો હતો. યુવક સગીરાને રખેલ તરીકે રાખવાની સાથે જાતિ વિષય અપશબ્દો બોલતા કંટાળી ગયેલી સગીરાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી હતી. કોર્ટ દ્વારા આરોપીને કસુરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા તથા એક લાખનો દંડ ફટકારયો છે. ઉપરાંત આરોપીએ સગીરાને રૂ.4 લાખ વળતર પેટે પણ ચૂકવવા માટેનો હુકમ કર્યો છે.

વડોદરા જિલ્લાના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા સાવલી તાલુકાની એક કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી અને કોલેજમાં જવા માટે એસટી બસમાં અપડાઉન કરતી હતી. તે દરમિયાન સાવલી બસ ડેપો ખાતે ફેજલ ઉર્ફે ફેન્ટો દિવાન સાથે સગીર યુવતી પરિચયમાં આવી હતી. રોજ અપડાઉન કરતી હોય ફેજલ દિવાને સગીરાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિક્વેસ્ટ મોકલી હતી. રિકવેસ્ટ તેણે એક્સેપ્ટ કરી હતી. બંને એકબીજાને મળતા રહેતા હોય એકબીજાના મોબાઈલ નંબર પણ આપ લે કરી હતી. માર્ચ 2022 ફેજલે સગીરાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મેસેજ કરીને સાવલીની કોલેજ ખાતે મળવા માટે બોલાવી હતી. સગીરા પણ તેને મળવા માટે કોલેજમાં ગઈ હતી. ત્યારે ફેજલ સગીરાને બાઈક પર બેસાડીને વડોદરા શહેરમાં અમિત નગર વિસ્તારમાં રહેતા તેના  મિત્ર સોનુના ઘરે લઈને આવ્યો હતો અને સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને શરીર સબંધ બાંધતી વેળાના ફોટો પણ યુવકે તેના મોબાઈલમાં પાડી લીધા હતા. ત્યારબાદ તેને બાઈક પર લઈ જઈ ભાદરવા ચોકડી પાસે છોડી દીધી હતી. જેથી સગીરા તેના ઘરે પહોંચી હતી. યુવકે તેણીને ફોન કરીને અશ્લીલ ફોટા વાયર કરવાની ધમકી આપી મળવા માટે બોલાવી હતી અને લાંછનપુર મહીસાગર નદીના કિનારે લઈ જઈને તેની સાથે મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતુ. આમ યુવક ફોટા વાયરલ કરવાની ધમકી આપીને સગીરાને અલગ અલગ જગ્યા પર લઈ જઈને શરીર સંબંધ બાંધતો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો હતો. જો સગીરા તેના કીધા પ્રમાણે ના કરે તો તેને માર પણ મારતો હતો. યુવક વારંવાર તેને ફોટા વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધતો હોય તેણે કંટાળી ગઈ હતી અને યુવક સાથે ફોન તથા સોશિયલ મીડિયા વાત કરવાનુ બંધ કરતા યુવક અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરીને તેણીને ધમકી આપતો હતો. તારા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશ ઉપરાંત તને કોઈ જગ્યાએ નહીં જવા દઉં અને મારી રખેલ તરીકે રાખીશ તેમ કહી જાતિ વિષય અપ શબ્દો બોલતો હતો. વારંવાર શરીર સંબંધ બાંધવાના કારણે સગીરા બેવાર ગર્ભવતી બની ગઈ હતી અને યુવકે ગોળીઓ ખવડાવીને બે વખત ગર્ભપાત પણ કરાવ્યો હતો. માર્ચ 2023 માં સગીરા તેના પરિવારને જાણ કરી હતી ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જેની સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ફેજલશા ઉર્ફે ફેન્ટો જાકિરશા દિવાન વિરુદ્ધ પોકસો તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. દુષ્કર્મના કેસની તપાસ કરનારા અમલદારે તમામ પુરાવા કોર્ટમાં ચાર્જશીટ સાથે રજૂ કર્યા હતા. જનો કેસ સ્પેશિયલ પોક્સો અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે એ ઠક્કરની કોર્ટમાં ચાલી જતા તપાસ અમલદાર દ્વારા પુરાવા રજૂ કરવા સાથે વકીલે ધારદાર દલીલો કરી હતી. તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપીને કસૂરવાર ફેરવી 20 વર્ષની સખત કેદની સજા રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત ભોગ બનનાર સગીરાને આરોપીએ  વિકટીમ કોમ્પેનેશન સ્કીમ 2019 મુજબ  રૂ. 4  લાખ વળતર પેટે ચૂકવવા માટેનો પણ હુકમ કર્યો છે.

Most Popular

To Top