આર વી દેસાઈ રોડ પર આવેલા ગંગા સાગર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગથી વીજ મીટરો સળગ્યા
ફાયર બ્રિગેડ અને MGVCLની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ઉપર આવેલા ગંગા સાગર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગને પગલે એક સાથે 13 વીજ મીટર સળગી ઉઠ્યા હતા. રાત્રિના સમય બનેલી આ ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને એમજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ સંભાળી લીધી હતી.
વડોદરા શહેરના નવાપુરા આરવી દેસાઈ રોડ ઉપર ગંગા સાગર એપાર્ટમેન્ટ આવેલું છે. જેમાં સોમવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. એપાર્ટમેન્ટ માંથી એકાએક ધુમાડા નીકળતા લોકો એકત્ર થયા હતા. જોતામાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઊઠી હતી આગની લપેટમાં આખા એપાર્ટમેન્ટના 13 જેટલા વીજ મીટરો બળીને ખાખ થઈ ગયા હતા આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની સાથે mgvcl ની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કર્યો હતો. જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે બીજી તરફ છ માળના આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જાણે કોઈએ તડતડીયા તારા મંડળ અચાનક સળગાવ્યા હોય તેવો અનુભવ્યુ હતું.