માજી તમારુ કામ છે એમ બોલાવ્યા બાદ રોકડા રૂપિયા બતાવતા વૃદ્ધા લલચાયાં
દાગીના જેવા ઉતારીને આપ્યા કે બંને જણા લઇને રફુચક્કર થઇ ગયાં
વડોદરા તા. 11
સયાજીપુરા ગામમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા પોતાના પૌત્રને આજવા નિમેટા પાસે શાળામાં મુકીને પરત આવતા હતા. ત્યારે બે ગઠિયાએ તેમને રોકડા રૂપિયા એક લાખ બતાવી તમે પહેરેલી સોનાની ચેન અને બંગડી આપો તો આ રૂપિયા તમને આપી દઇશુ તેમ કહી લાલચ આપી હતી. જેથી વૃદ્ધાએ પોતાના સોનાની ચેઇન અને બંગડી ઉતારીને તેમને આપતા બંને ગઠિયા રૂપિયા આપ્યા વિના ભાગી ગયા હતા.
વડોદરા શહેરના સયાજીપુરા ગામ ચાતરાવાળા ફળિયામાં રહેતા કાશીબેન રમેશભાઇ બારિયા (ઉં.વ,65) 10 જાન્યુઆરીના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી તેમના સિનિયર કેજીમાં અભ્યાસ કરતા પૌત્ર અંશને આજવા નિમેટા રોડ પર આવેલી મનાલ્સ સ્કૂલમાં મુકવા માટે ગયા હતા. ત્યારબાદ સ્કૂલે પૌત્રને મુકીને તેઓ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન સ્કૂલના ગેટ પાસે બે શખ્સો ઉભા હોય વૃદ્ધાને માજી અહિયા આવો તમારુ કામ છે. જેથી વૃદ્ધા તેમની પાસે ગયા હતા ત્યારે એક શખ્સે પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા એક લાખ રોકડા કાઢીને તેમને બતાવ્યા હતા અને લાલચ આપી જણાવ્યું હતું કે તમારી ચેઇન મને આપો તો હુ તમને રૂપિયા આપુ. ત્યારે વૃદ્ધા લલચાઇ ગયા હતા અને દાગીના આપવા રાજી થયા હતા. તેમણે વૃદ્ધાને તેમની પાછળ આવવા માટે કહ્યું હતુ. ત્યારબાદ કાન્હા ડ્રીમલેન્ડ કોમ્પલેક્ષની સામે આવી વૃદ્ધાએ જાતે ગળામાંથી એક તોલાની સોનાની ચેન રૂ 50 હજાર તથા બંને હાથમાં પહેરેલી બંગડી ઉતારીને બંને શખ્સોને આપ્યા હતા પરંતુ આ બંને શખ્સો રૂપિયા આપ્યા વગર તેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. જેથી વૃદ્ધાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં બંને ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બંને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
