વડોદરા તા. 17
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા ખાનગી યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર પોતાની પત્ની અને માતા સાથે બેંગ્લોર ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી રૂપિયા 1.01 લાખની માલ મતાની સાફ સુફી કરીને ફરાર થઈ ગયા હતા. જેથી તેઓએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા અમોલભાઈ રજનીભાઈ મિઠાણી એક ખાનગી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરે છે. તેમના પત્ની અશ્વીની બેન પણ એમ.એસ.યુની.માં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. બેંગ્લોર ખાતે રહેતા તેમના સંબંધી ના ઘરે લગ્ન પ્રસંગ હોય આસિસ્ટન્ટ પ્રોફેસર તેમની પત્ની અને માતા સાથે 3 જૂનના રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ ઘરના દરવાજા તારું મારીને બેંગ્લોર ખાતે ગયા હતા. તે સમય દરમ્યાન તસ્કરોએ આસિસ્ટન્ટ પ્રોફેસરના બંધ મકાને નિશાન બનાવ્યું હતું અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 10 જૂનના રોજ સવારના નવેક વાગ્યાના સુમારે ઘરે કામ કરતા રંજન બેને તેમને ફોન કરીને તમારા ઘરના બહારના મેઇન દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં છે અને ઘરનો અંદરનો સામાન પણ વેર વિખેર પડેલો હોય ઘરમાં ચોરી થઈ હોય તેવું જણાય છે તેમ જણાવ્યું હતું. પ્રોફેસરે તેમની બહેન નેહાબેનને ઘરે તપાસ કરવા માટે મોકલ્યા હતા. જેથી તેમની બહેન મારા ઘરે જઈને તપાસ કરતા બેડ રૂમના કબાટો ખુલ્લા અને તેમાંથી સામાન નીચે અસ્તવ્યસ્ત કરી નાખેલો હતો. જેથી પ્રોફેસર પરિવાર સાથે બેંગ્લોરથી પરત 12 જૂનના રોજ સવારે આવી પહોંચ્યા હતા અને કબાટમાં તપાસ કરી હતી ત્યારે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 1.01 લાખની માલ મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસરે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.