ખંડણીખોર એક્ટિવિસ્ટે અરજીના સમાધાન પેટે રૂ.10 લાખ પડાવ્યાં છતાં ફરી કેસ કરવાનું કહી રૂ.75 લાખ ખંડણી માંગી
એક્ટિવિસ્ટે કહ્યું તમે મને ઓળખતા જ નથી, આ પહેલા પણ ઘણા લોકોને સીધા કરી દીધા છે. તમે રૂ. 75 લાખ આપી દો નહી તો તમે સોધ્યા નહી જડો..
ખોટા કેસમાં ફસાવી દેવી ધમકી તથા ખોટી અરજી કરી ખંડણી માગનાર એક્ટિવિસ્ટની ધરપકડ સુરત બાદ હવે વડોદરામાં આરટીઆઇ એક્ટિવિસ્ટો વિરુદ્ધ સપાટો બોલાવવાનું શરૂ
પ્રતિનિધિ વડોદરા તા.28
સુરત બાદ હવે વડોદરા શહેરમાં મિલ્કતમાં હક્ક ન હોવા છતાં સરકારી કચેરીઓ તથા કોર્ટમાં કેસો તેમજ આરટીઆઇની અરજીઓ કરીને રૂપીયા પડાવવાનો કારસો રચનાર આરટીઆઇ એક્ટિવિસ્ટો સામે સપાટો બોલાવવાનુ પોલીસે શરૂ કર્યુ છે. ખોટા કેસમાં ફસાવી ધમકી આપીને જમીન માલિકો પાસેથી રૂપિયા માંગનાર ખંડણીખોર એક્ટિવિસ્ટ સામે છાણી તથા ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુના નોધાયા છે. એક્ટિવિસ્ટે તમે મને ઓળખતા જ નથી, આ પહેલા પણ ઘણા લોકોને સીધા કરી દીધા છે. તમે રૂ. 75 લાખ આપી દો નહી તો તમે સોધ્યા નહી જડો અને જીવથી જશો તેવી ધમકી આપી હતી. જેમાં છાણી પોલીસ દ્વારા આરટીઆઇ એક્ટિવિસ્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
વડોદરા શહેરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ મોટી સંખ્યામાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. આ લોકો વડોદરામાં જમીન મિલ્કત ધરાવતા લોકો પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવવાના માટે જમીન મિલ્કતમાં કોઇ હક્ક ન હોવા છતાં કોર્ટમાં તેમજ સરકારી કચેરીઓમાં ખોટા કેસ અને આરટીઆઈની અરજીઓ કરી રૂપીયા પડાવવા માટે જમીનના માલીકોને ધાક ધમકી આપતા હોય છે. પોલીસ દ્વારા આવા આરટીઆઇ એક્ટિવિસ્ટો વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને શોધી કાઢવા માટેની એક પ્રકારની ઝુંબેશ હાથ ધરાઇ છે. વડોદરા નજીક કરોડીયા વિસ્તારમાં આવેલી પરિવાર પાર્ક સોસાયટીમાં રહેતા ડાહ્યા શના રાજપુત દશરથ ખાતેની જમીનમાં વર્ષ 2000થી 2025 સુધી તેનો કોઇ હક્ક હિસ્સો ન હોય અને જમીનમાં તેને કાંઇ લાગતુ વળગતું ન હોવા છતાં ગુજરાત હાઇકોર્ટ, કલેક્ટર કચેરી, એસએસઆરડી અમદાવાદ સિવિલ કોર્ટ, મામલતદાર અને કૃષીપંચ વડોદરા ગ્રામ્યની કોર્ટમાં ગણોતધારાને લગત કેસ દાખલ કર્યા હતા. જે કેસો સબંધે તેઓએ પરેશ સૌભાગ્યચંદ્ર શાહ (રહે.છાણી ) સાથે સમાધાન કરી જમીન મુદ્દે કોઇ સરકારી કચેરીઓમાં કે કોર્ટમાં કેસ અને અરજીઓ કરશે નહિ તેમ લેખીતમાં જણાવી રૂ.10 લાખ પડાવ્યા હતા. તેમ છતાં અલગ અલગ સરકારી કચેરીઓ તેમજ કોર્ટમાં ખોટા દાવાઓ અને અરજીઓ કરી તેમની પાસે રૂ.75 લાખની ખંડણીની માંગણી કરી હતી. તમે મને ઓળખતા જ નથી. આ પહેલા પણ ઘણા લોકોને સીધા કરી દીધા છે. તમે રૂ. 75 લાખ આપી દો નહી તો તમે સોધ્યા નહી જડો અને જીવથી જશો. છાણી પોલીસે સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તેવી જ રીતે આ ડાહ્યા શના રાજપુત વર્ષ 2017થી 2025 દરમ્યાન તેમની ગોત્રી ખાતેની વડીલોપાર્જીત જમીન મુદ્દે માલિકના નામનો 99 વર્ષના ભાડા કરારવાળો લેખ કોઇ ડોક્યુમેન્ટમાં સહી લેવાના બહાને બનાવી તેમાં માલિક તથા તેમના ભાઇઓની સહીઓ મેળવી આ ભાડા કરાર આધારે પરેશભાઈના ભાઈ, બહેન સહિતના વિરૂધ્ધ આરોપીએ કોર્ટમાં કલેકટર કચેરીઓમાં ખોટા કેસ અને દાવાઓ કરી તે દાવા અને કેસોમાં સમાધાન કરવાના બહાને બળજબરીથી પૈસાની માંગણી કરી અને પૈસા નહીં આપો તો હેરાન પરેશાન કરી જીવવાનું હરામ કરી દેવાની ધમકીઓ આપી હતી. આ બન્ને ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ડાહ્યા શનાભાઇ રાજપુતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
– ડાહ્યા રાજપૂતની અગાઉ પણ ખંડણી માગવાના ગુનામાં ધરપકડ થઇ હતી
ખંડણી માગવાના બન્ને ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ડાહ્યા શના રાજપુત તથા અન્ય આરોપીઓએ ભેગા મળી ગોત્રીની જમીનમાં પોતાનો હક ના હોવા છતાંય દાવાઓ કરી, જમીનમાં ઘુસવા નહી દેવાનુ જણાવી એક વ્યક્તિ એ ગળાના ભાગે છરી મુકી મારી નાંખવાનું કહી એમઓયુ. કરી એક કરોડ રૂપિયા પડાવી લઈ ફરીથી દાવાઓ દ્વારા છેતરપીંડી કરાઈ હતી. ઉપરાંત અવાર-નવાર 14 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. જો 14 કરોડ રૂપિયા નહિ આપે તો જમીનમાં નહી ઘુસવા દેવાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોય આ આ ગુનામાં પણ અગાઉ ડાહ્યા શના રાજપુતની પણ ધરપકડ થઈ હતી.
– સુરત પોલીસે અત્યાર સુધીમાં આરટીઆઇ એક્ટિવિસ્ટો વિરુદ્ધ 67થી વધુ એફઆઇઆર
સુરતમાં ઘણા ખંડણીખોર આરટીઆઇ એક્ટિવિસ્ટોનો લોકો પર ત્રાસ વધી ગયો હતો. આ આરટીઆઇ એક્ટિવિસ્ટો વિરુદ્ધ અનેક અરજી પોલીસ સ્ટેશનોમાં મળી હતી. જેથી પોલીસ દ્વારા આવા એક્ટિવિસ્ટો સામે સપાટો બોલાવવાનું શરૂ કરાયું હતું. સુત્રોમાંથી અત્યારુ સુધીમાં ખંડણીખોર એક્ટિવિસ્ટો વિરુદ્ધ 67 જેટલી એફઆઇઆઇર થવા સાથે 33 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ચાલી રહી છે.
– ખંડણી માગનાર વિરુદ્ધ પોલીસને જાણ કરાશે તો આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે
જો કોઇ આરટીઆઇ એક્ટિવિસ્ટ સહિતના લોકો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ખંડણી માગી રૂપિયા પડાવવાનું કાવતરુ રચતા હોય તો આવા સંજોગોમાં લોકો પોલીસને જાણ કરવા સાથે પોલીસમાં અરજી પણ કરી ફરિયાદ કરશે. જેથી પોલીસ દ્વારા આવા તત્વો વિરુદ્ધ કડકકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર, વડોદરા શહેર
