બાળકોને શરદી, ઉઘરસ, તાવ આ પ્રકારના રોગો થતા હોવાના આક્ષેપ :
રોગોને નિવારવા માટે આ બાબતનો કાયમી ઉકેલ થાય તે જરૂરી છે. : પ્રિન્સીપાલ
( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વડોદરાના વહીવટી વોર્ડ નં – 4 માં મેયરના વોર્ડમાં આવતી શાળા બહાર પારાવાર ગંદકી છે.જેના કારણે શાળામાં બપોરની પાળીમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા અનિયમિત થઇ રહી છે. આ અંગે વોર્ડ ઓફિસમાં અનેક વખત જાણ કર્યા બાદ પણ સમસ્યાનો કોઇ કાયમી નિકાલ આવતો નથી. આ ગંદકીના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર પડી રહી હોવાના આક્ષેપ પણ પ્રિન્સીપાલે કર્યા હતા.


વડોદરાના મેયરના વોર્ડમાં જ દિવા તળે અંધારા જેવો ઘાટ છે. અહિંયા આજવા રોડ પર આવેલી સરકારી શાળા બહાર ગંદકીનો ખડકલો હોવાના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. આ સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ નહીં આવવાના કારણે હવે સ્થાનિકો તથા શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર તેની અસર પડી રહી છે. જેનાથી વિદ્યાર્થીઓની શાળામાં નિયમીતતા ખોરવાઇ રહી છે. જેથી હવે સ્થાનિકો આ સમસ્યાનો કાયમી ઉકેલી માંગી રહ્યા છે.


પ્રિન્સીપાલ પંકજભાઇએ જણાવ્યું કે, આજવા રોડ પરની રૂષિ વિશ્વામિત્રી પ્રાથમિક શાળા આવેલી છે. છેલ્લા ઘણા સમયથી ગંદકી બાબતે અવાર નવાર વોર્ડ ઓફિસમાં રજુઆતો કરવામાં આવે છે. વોર્ડ ઓફિસરો દ્વારા નિયમીત રીતે સફાઇ અંગે ધ્યાન આપવામાં આવે તો, શાળામાં 685 જેટલા બાળકોના આરોગ્યના બાબતે પણ થોડુંક વિચારી શકીએ. વારંવાર આ પ્રકારની ગંદકી રહેશે તો બાળકોની અનિયમીતતા સામે આવે છે. આ પાછળના કારણો ભૂતકાળમાં અમે જોયેલા છે, બાળકોને શરદી, ઉઘરસ, તાવ, આ પ્રકારના રોગો થાય છે. આ રોગોને નિવારવા માટે આ બાબતનો કાયમી ઉકેલ થાય તે જરૂરી છે. કાયમી ઉકેલ જોવા મળશે, તો ભવિષ્યમાં બાળકો પણ નિયમીત થશે. અને ચોખ્ખાઇથી લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઇ રહેશે.