વડોદરા તારીખ 14
માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલમાં પરિવાર જમવા માટે ગયો હતો. દરમિયાન તેમની 10 વર્ષની સગીર દીકરી વોશરૂમમાં ફ્રેશ થવા માટે ગઈ હતી, ત્યારે ત્યાં હાજર સાફ-સફાઈનું કામ કરતા કર્મચારીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા. ગભરાયેલી સગીરાએ પોતાની માતાને આ બાબતે વાત કરતા માતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના માંજલપુરના લાલબાગ વિસ્તારમાં રહેતો પરિવાર ઇવા મોલમાં ગઈ કાલે સોમવારે રાત્રે 9 થી 10 જમવા માટે ગયા હતાં. તે દરમિયાન 10 વર્ષીય સગીરા વોશ રૂમમાં ગઈ હતી. ત્યારબાદ બહાર આવી હતી. થોડીવાર પછી સગીરા ફરી વોશ રૂમમાં ફ્રેશ થવા માટે ગઈ હતી. ત્યારે મોલમાં પારસ પરમાર નામનો સાફ સફાઈ નું કામ કરતો કર્મચારી
સગીરા પાસે આવ્યો હતો. ત્યારબાદ સગીરા સાથે શારીરીક અડપલા સાથે ગેરવર્તન કરવા લાગ્યો હતો. સગીરા ગભરાઈને ત્રીજા માળેથી નીચે આવી હતી, પરંતુ સગીરાને પૂછતાં તેણે તમામ હકીકત જણાવતા પરિવારે મોલમાં હોબાળો મચાવ્યો હતો. તેના સંબંધીઓ સહિતના સમાજના લોકોએ ભેગા થઈ મોલમાં ભારે હંગામો મચાવી મૂક્યો હતો. દરમિયાન માંજલપુર પોલીસ દોડી આવી હતી. જેથી સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી પારસ પરમારને ઝડપી પાડી તેના વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.