વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે અસર , સરકાર વહેલી તકે ઈ કેવાયસી ને સરળ બનાવે તેવી માંગ :
શાળાઓમાંથી કેવાયસી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને વારંવાર કરવામાં આવે છે ટોર્ચર
વડોદરા શહેરમાં પણ ઇકેવાયસી ફરજિયાત કરાતા શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પ્રથમ ઇકેવાયસી કરાવવા દબાણ થતાં વિદ્યાર્થીઓ પણ વાલીઓની સાથે કડકડતી ઠંડીમાં સ્કૂલોમાં રજા પાડી કેવાયસી કરાવવા સવારે 5:00 વાગ્યાથી કતારોમાં લાગી જાય છે. ત્યારે વહેલી તકે સરકાર કોઈ નીતિ બનાવે તેવી વાલીઓએ માંગ કરી છે.
સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે રેશનીંગ કાર્ડ અને આધારકાર્ડને લિંક કરવા માટે ઈ કેવાયસી ફરજિયાત કર્યું છે જેને લઇ શાળાઓમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને તાત્કાલિક ઈ કેવાયસી કરાવવા માટે દબાણ કરી રહ્યા છે તો બીજી તરફ સરકારની સિસ્ટમમાં યોગ્ય સુવિધાઓને ઉભી નહીં કરાતા વાલીઓ અને વિદ્યાર્થીઓને ધરમના ધક્કા ખાવાના વખત આવતા હોય છે. સરકારના સર્વર કેટલીક વખત ડાઉન થતાં કામગીરીને પણ અસર પહોંચતી હોય છે. તો બીજી તરફ ઈ કેવાયસી માટે વિદ્યાર્થીઓને પણ સાથે રાખવાના હોય વાલીઓ પોતાના બાળકોને શાળાઓમાં રજા પાડી સવારે 5:00 વાગ્યાથી કડકડતી ઠંડીમાં લાઈનો લગાવવી પડે છે અને લાઈનોમાં ઊભા રહ્યા છતાં પણ સર્વર ચાલશે કે કેમ તેમનો નંબર આવશે કે કેમ તેવા જ સવાલો ઊભા થતા હોય છે.
કેટલાક વાલીઓ છેલ્લા એક સપ્તાહથી તો કેટલાક વાલીઓ સતત બે દિવસથી કેવાયસી માટે સવારથી લાઈનોમાં ઊભા રહે છે પરંતુ કોઈને કોઈ કારણસર તેમને ધક્કા ખાવાનો જ વખત આવતા સરકારી તંત્ર પર રોષ ઠાલવ્યો છે. વાલીઓની એક જ માંગ છે કોઈપણ યોજના બહાર પાડો તો સૌપ્રથમ તેની યોગ્ય સિસ્ટમ ગોઠવવી જોઈએ જેથી કરીને વાલીઓ કે બાળકોને સુવિધા નો અહેસાસ ના થાય અને સરળતાથી કામ થાય તેવી માંગ કરી છે.