વડોદરા, ૨૧ જૂન, ૨૦૨૫
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે યોગ એ ફક્ત એક કસરત નથી. તે એ છે કે તમે કોઈપણ પરિસ્થિતિમાં કેટલી કુશળતાથી વાતચીત કરી શકો છો અને કાર્ય કરી શકો છો. યોગ એ માનવજાતની સૌથી મોટી સંપત્તિ પણ છે. યોગ માત્ર સ્વાસ્થ્ય અને ગતિશીલતા જેવા ભૌતિક લાભો જ નથી આપતું, પરંતુ આપના માનસ ને ઉપર ઉઠાવે છે અને અંતર્જ્ઞાન પણ આપે છે. તે કાર્યમાં કૌશલ્ય લાવે છે, તણાવમાં આવ્યા વિના પડકારરૂપ પરિસ્થિતિઓનું સંચાલન કરવામાં મદદ કરે છે.


ગુરુદેવની વિચારધારાને આગળ વધારતા, આર્ટ ઓફ લિવિંગ દર વર્ષે વિશ્વભરમાં ખૂબ જ ઉર્જા અને ઉત્સાહ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે. આજે આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટર દ્વારા આયુષ મિનિસ્ટ્રીના કોમન પ્રોટોકોલને અનુસરીને શહેર અંદર અને નજીકના સ્થળો મોલ્સ,શાળાઓ, કોલેજો, સેન્ટ્રલ જેલ, કંપનીઓ અને કોર્પોરેટ સંસ્થાઓ સહિત સમગ્ર શહેરમાં અનેક લોકો માટે યોગ સત્ર યોજીને ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે થકી શહેરમાં યોગ લહેર વેહતી જોવા મળી. દરેક સત્રમાં યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા લોકોમાં આનંદ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થયો.
