Vadodara

વડોદરા : આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાને બહાને દંપતી પાસેથી ઠગે રૂ.2 લાખ ખંખેરી લીધા

પ્રતિનિધિ વડોદરા તા.14
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા દંપતીને માંજલપુરમાં વિઝાની ઓફિસ ધરાવતા બે ઠગોએ આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાનું કહી તેમની પાસેથી રૂપિયા 2 લાખ પડાવી લીધા હતા. ઉપરાંત દંપતીને રહેવા સાથે મેડિકલ ઇન્સ્યોરન્સની પણ વ્યવસ્થા કરી આપશે એવી લાલચ આપી હતી, પરંતુ ઘણો સમય થઇ ગયો હોય વિઝા નહી આવતા વેપારીએ એજન્ટ પાસે રૂપિયા પરત માગ્યા હતા પરંતુ તેઓ રૂપિયા પરત નહી આપવા સાથે વિઝા પણ નહી બનાવી આવતા વેપારી એજન્સી ડાયરેક્ટર સહિત બે ઠગો વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી રૂતાંષ ફ્લેટ નિવૃતિ કોલોનીમાં રહેતા સત્યેન અનિલભાઈ ઢોમસે કેમીકલનો કમીશન પર ધંધો કરે છે. વર્ષ 2021માં વેપારીએ પત્ની શ્રધ્ધાબેન સાથે આયર્લેન્ડ ખાતે વર્ક પરમિટ વિઝા પર જવાનો પ્લાન બનાવ્યો હતો. જેથી તેઓ વિઝા બનાવી આપવા એજન્ટની શોધખોળ કરી રહ્યાં હતા. તે દરમિયાન તેઓએ સોશિયલ મિડીયા પર માંજલપુરની લક્ષ મેનેજમેન્ટ કન્સલટન્સના એજન્ટ દ્વારા તમામ પ્રકારના વિઝા કાઢી આપવામાં તેવી જાહેરાત જોઇ હતી.
સત્યેન ઢોમસે પત્ની સાથે એજન્ટની ઓફિસ ઉ૫૨ મળવા માટે ગયા હતા. ત્યારે ત્યાં તેમને રીસેપ્શનમાં બેઠેલી માનસી પંચાલ નામની મહિલાએ આશિષ ગવલી પાસે મોકલ્યા હતા. ત્યારે આશીષ ગવલીએ આયર્લેન્ડના વર્ક પરમીટ વિઝા પર તમને નોકરી તથા રહેવા જમવાની વ્યવસ્થા કરી આપીશું તેમ જણાવ્યું હતુ. ફોર્મ અને તેની પ્રોસેસીંગ ફ્રી મળી પતિ અને પત્નીના મળીને રૂ.4 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. પ્રથમ એક વ્યક્તિ દિઠ રૂ.1 લાખ મળી દંપતીને રૂ.2 લાખ ચુકવવા પડશે તેમ કહેતા તેઓએ હા પાડી હતી. ત્યારબાદ આ આશીષ ગવલીએ તેમની એજન્સીના ડાયરેક્ટર કુણાલ નિકમ સાથે મુલાકાત કરાવી હતી. ત્યારે કુણાલ નિકમ તથા આશીષ ગવલીએ આયર્લેન્ડ ખાતેના વર્ક પરમિટ વિઝા બનાવી આપવા સાથે ત્યાં નોકરી તથા રહેવા જમવાની વ્યવસ્થા પણ તેઓ જ કરી આપશે તેમ જણાવ્યું હતું. જેથી દંપતીને વિશ્વાસ આવી જતા રૂપિયા 2 લાખ તેમની ઓફિસમાં કુણાલ નિકમને રોકડા આપ્યાં હતા.
બંને ઠગોએ આયર્લેન્ડના વર્ક પરમીટ વિઝા 6 મહિનામાં થઈ જશે અને જો નહી થાય તો તમને તમારા ભરેલા રૂપિયા પરત મળી જશે તેવો વાયદો પણ કર્યો હતો. ત્યાં ગયા પછી તમારી જમવા તેમજ મેડીકલ ઇંસ્યોરન્સની વ્યવસ્થા કંપની તરફથી થઇ જશે તેમ કુણાલ નિક્રમ તથા આશિષ ગવલીએ જણાવ્યું હતુ. સત્યેન ઢોમસેએ પાંચ મહિના બાદ કુણાલ નિકમને વીઝા બાબતે પુછપરછ કરવા છતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી ઘણો સમય થઇ ગયો હોવા છતા આજદિન સુધી કુણાલ તથા આશિષે વર્ક પરમીટ વિઝા નહી બનાવી આપતા તેમની પાસે વેપારીએ રૂપિયા પરત માંગ્યાં હતા. પરંતુ તેઓ આપતા ના હોય કુણાલ નિકમ તથા આશિષ ગવલી સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top