હરણી વારસિયા રીંગરોડ પર રહેતું દંપતી બાઇક પર પોતાના ગામ જઈ રહ્યું હતું
પૂરઝડપે બાઈક દોડાવી ભાગવા જતાં ચોર ડિવાઇડર સાથે ભટકાયો, પડી જતા બાઈક મૂકી ચેન લઈ ભાગી ગયો
પ્રતિનિધિ વડોદરા તા.6
હરણી વારસિયા રીંગ રોડ ઉપર રહેતું વૃદ્ધ દંપતિ બાઈક પર પોતાના ગામ આમલીયારા જઈ રહ્યું હતું. દરમિયાન ગામના પાટીયા પાસે પાછળથી આવેલા બાઇક સવાર ગઠીયો વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન આંચકી ભાગ્યો હતો. પરંતુ બાઈક ડિવાઈડરમાં ભટકાતા રોડ પર પટકાયો હતો.ગઠિયો બાઇક સ્થળ પર છોડી સોનાની ચેન લઈને ભાગી ગયો હતો. વૃદ્ધે જરોદ પોલીસ સ્ટેશનમાં બાઇક સવાર ચોર સામે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર સુખ શાંતિ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ હસમુખભાઈ વૈદ્ય (65) નિવૃત્ત જીવન ગુજારે છે. પાંચ જૂનના રોજ રાત્રિના આઠ વાગ્યાના અરસામાં વૃદ્ધ પોતાની પત્ની ઉષાબેન ને બાઈક પર પાછળ બેસાડી પોતાના વતન આમલીયારા ખાતે જઈ રહ્યા હતા. દરમિયાન આંબલીયારા ગામના પાટીયા પાસે તેમના પાછળથી એક બાઈક સવાર ગઠિયો આવ્યો હતો અને તેમની પત્નીના ગળામાં હાથ નાખીને ₹ 50 હજારની સોનાની ચેન આંચકી લઈને ફુલ સ્પીડે બાઈક દોડાવી ભાગવા જતો હતો. દરમિયાન ટર્ન લેવા જતા બાઈક ડિવાઇડર સાથે ભટકાઈ હતી. જેથી બાઈક સવાર ગઠીયો રોડ ઉપર પટકાયો હતો પરંતુ બાઇક સ્થળ પર છોડી સોનાની ચેન લઈને ફરાર થઈ ગયો હતો. જેથી વૃદ્ધે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.