TP-13 ચાર રસ્તા પર હાઈવોલ્ટેજ ડ્રામા: વિરોધ કરવા નીકળેલા કાર્યકરની ફતેગંજ પોલીસે અટકાયત કરી

વડોદરામાં સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી માં આંતરિક જૂથવાદ અને ટિકિટ વહેંચણીને લઈને નારાજગી સપાટી પર આવી છે. પક્ષના જ કાર્યકર નાઝીમ પઠાણે ટિકિટ ન મળતા શહેરના જાહેર માર્ગ પર ઉતરી આવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને પગલે પોલીસે તેમની અટકાયત કરી હતી.
મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટીના કાર્યકર નાઝીમ પઠાણ આગામી ચૂંટણીમાં ટિકિટની અપેક્ષા રાખી રહ્યા હતા. જોકે, પક્ષ દ્વારા તેમને ટિકિટ ન આપવામાં આવતા તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. પોતાની આ નારાજગી દર્શાવવા માટે તેઓ શહેરના TP-13 ચાર રસ્તા પાસે સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફતેગંજ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે નાઝીમ પઠાણની ધરપકડ કરી હતી.
ચૂંટણી પહેલા જ ‘આપ’ના કાર્યકર દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આ આક્ષેપોને કારણે રાજકીય આલમમાં ચર્ચાઓ જાગી છે. એક તરફ પક્ષ ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે, ત્યારે બીજી તરફ પોતાના જ કાર્યકર દ્વારા ટિકિટ માટે નાણાં માંગવાના આક્ષેપ થતા પક્ષની છબી ખરડાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
– રૂપિયા 5 લાખની માંગણીનો ગંભીર આક્ષેપ…
આ વિરોધ પ્રદર્શન દરમિયાન નાઝીમ પઠાણે પક્ષના હોદ્દેદારો સામે સનસનાટીભર્યા આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ”મારી પાસે આમ આદમી પાર્ટીની ટિકિટ આપવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પક્ષમાં નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને નાણાંની લેતી-દેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.”