બાપોદ પોલીસે તુરંત સ્થળ પર જઇને એકતાનગરના માથાભારે શખ્સને ઝડપી પાડ્યો
વડોદરા શહેરમાં અસામાજિક તત્વો પર પોલીસનો ડર ઘટી રહ્યો હોય બેફામ બન્યાં
પ્રતિનિધિ વડોદરા તા.2
આજવા રોડ પર આવેલા એકતાનગરમાં રહેતો શખ્સ હાથમાં ખુલ્લી તલવાર લઇને દુકાન સંચાલક સાથે દાદાગીરી કરી રહ્યો હતો. જેથી બાપોદ પોલીસે તુરંત સ્થળ પર પહોંચી આરોપીની હથિયારબંધીના જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના અસામાજિક તત્વોને જાણે પોલીસને કોઇ પ્રકારની ડર રહ્યો ન હોય તેમ બિન્દાસ્ત રીતે ખુલ્લેઆમ હથિયારો સાથે જાહેર રોડ પર ધસી આવી લોકો સાથે દાદાગીરી કરતા હોય છે. ત્યારે તેવો જ કિસ્સો આજવા રોડ પર સામે આવ્યો છે. જેમાં પંચમ ચાર રસ્તા પાસે 1 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે એક શખ્સ હાથમાં ખુલ્લી તલવાર લઇને ધસી આવ્યો હતો અને દુકાન સંચાલક સાથે દાદાગીરી કરવા લાગ્યો હતો. જેની જાણ બાપોદ પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી તલવાર લઇને ફરતા જાવેદખાન ઉર્ફે માછો યુસૂફખાન પઠાણ (રહે.,એકતાનગર આજવા રોડ વડોદરા) ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કયા કારણોસર તલવાર લઇને આવ્યો હતો અને તેની પૂછપરછ હાથ ધરાતા આરોપીએ કોઇ સંતોષકારક જવાબ આપતો ન હતો. જેથી પોલીસે જાવેદ ખાનની હથીયારબંધીના જાહેરનામા ભંગ ગુના હેઠળ ધરપકડ કરવા સસાથે તલવાર પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.