વડોદરા તારીખ 20
આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં કેટલાક વેપારીઓ પ્રતિબંધિત ચાઈનીઝ દોરા તુક્કલ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા હોય છે.ત્યારે આજવા રોડ પર મેમણ શોપિંગ સેન્ટર ખાતેથી એસઓજી પોલીસની ટીમ રેડ કરીને પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના બોક્ષ 480 તેમજ અન્ય મુદ્દામાલ મળી રૂ. 2.47 લાખના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે ચાઈનીઝ દોરી આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે.
આગામી મકસંક્રાતીના તહેવારની ઉજવણીને લઈને પોલીસ કમિશ્નર દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ લેન્ટર્ન તથા ચાઇનીઝ દોરીના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ-વેચાણ સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર અને ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ચાઇનીઝ દોરાથી રાહદારીઓ અને પશુ-પક્ષીને થતા ગંભીર નુકશાન કે જાન હાનીને અટકાવવા સારુ અને પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું જાહેર કરી ચાઇનીઝ દોરા તથા ચાઇનીઝ લોન્ચર, સ્કાય લેન્ટર્ન ના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સુચના આપવામાં આવી છે.જેના પગલે એસ.ઓ.જી. પોલીસની ટીમ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલીંગ રાખી ચાઇનીઝ તુક્કલો, ચાઇનીઝ દોરા, ચાઇનીઝ લોન્ચરનું વેચાણ કરતી દુકાનો, પથારા, ગોડાઉન ચેકિંગની સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરાયું છે.જેથી જુદી-જુદી ટીમો કામગીરીમા લાગી હતી.જેમાં એસ.ઓ.જી.ની ટીમો દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરા ચેકિંગની કામગીરી દરમ્યાન અ.હે.કો અરવિંદજી મંગાજીને બાતમી મળી હતી કે આજવા રોડ પર આવેલા મહેમાન શોપિંગ સેન્ટર માં દુકાન નં.16માં ચેકિંગ હાથ ધરતા દુકાનમાંથી પ્રતિબંધીત ચાઇનીસ દોરીના બોક્ષ નંગ-480 મળી આવ્યા હતા. જેથી દુકાનમાં હાજર શખ્સ હફીઝ અલીમહમદ મેમણ પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સાથે ઝડપાઈ ગયો હતો. રહીમ ગોલાવાલા (રહે.રામપાર્ક, આજવા રોડ, વડોદરા) નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223, 54 તથા જી.પી.એકટ કલમ 131 મુજબ પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કર્યા બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી દ્વારા પ્રતિબંધીત ચાઇનીઝ દોરી નંગ-480 કિં.રૂ.2.40 લાખ, 4 મોબાઇલ અને રોકડા રૂપિયા મળી રૂ.2.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.