આઇપીએસ સાથે સંપર્ક ધરાવનાર વ્યક્તિના ઘરે સર્ચ તથા પૂછપરછ પણ કરાઈ
વડોદરા તા.21
અમદાવાદમાં શેર બજારના કૌભાંડ મામલે આઇપીએસ અધિકારી રવિન્દ્ર પટેલની પણ સંડોવણી બહાર આવી છે. તેમના વતન સહિતના નિવાસસ્થાને એજન્સી દ્વારા તપાસ કરાઈ હતી. અધિકારીના વ્યવહારો મામલે પાદરાના ભાદરા ગામે રહેતા એક વ્યક્તિનું કનેક્શન બહાર આવતા અધિકારીઓ દ્વારા ભાદરા ગામમાં આવેલા આ વ્યક્તિના ઘરે રેડ કરી હતી. ઉપરાંત આ વ્યક્તિની પૂછપરછ કરવા સાથે કોમ્પ્યુટર સહિત ડિવાઇસ કબજે કરીને લઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમદાવાદના પાલડી વિસ્તારમાં શેરબજારના ઓપરેટર પિતા-પુત્ર મેઘ અને મહેન્દ્ર શાહના ભાડે ફ્લેટમાંથી સોના, ઘરેણા સહિત રૂ.100 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ એજન્સીઓની વિવિધ ટીમો દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા ખાતે દરોડા પાડ્યા હતા. શેરબજાર મામલે સેબીએ તેમના અમદાવાદના શાંતિગ્રામ ખાતે આવેલા નિવાસ સ્થાન ખાતે પણ દરોડા પાડ્યા હતા. આ શેરબજાર કાંડમાં ગુજરાતના એક આઈપીએસ પોલીસ અધિકારી રવિન્દ્ર પટેલ પણ સેબીની ઝપટમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આઈપીએસ રવિન્દ્ર પટેલના ગાંધીનગર નિવાસસ્થાન ઉપરાંત વતન ખેડબ્રહ્મા પાસે આવેલા સાબરકાંઠા જિલ્લાના રોધરા અને ગલોડીયા ગામે સેબીએ તપાસ કરી હતી. શેર બજારમાં મોટું રોકાણ અને ખાસ પ્રકારનો સોદો કરાયો હોવાની તપાસ માટે સેબીએ અધિકારીના સાળા, પત્ની અને પિતાની પણ પૂછપરછ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આઇપીએસ અધિકારીના વ્યવહારો મામલે પાદરા તાલુકાના ભાદરા ગામના એક શખ્સનું કનેકશન બહાર આવ્યું હતું. આઇપીએસ અધિકારીના વ્યવહારો મામલે તપાસ એજન્સીના અધિકારીઓ દ્વારા ભાદરા ગામે દરોડા પાડ્યા હતા. એક વ્યક્તિની પૂછપરછ શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે અને ટીમ દ્વારા આ વ્યક્તિના ઘરમાં સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં એજન્સી દ્વારા એક કોમ્પ્યુટર તથા ડિવાઇસ કબજે કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
