વર્ક ફોર્મ હોમ દ્વારા વિવિધ ટાસ્ક પુરા કરશો તો રૂ.1800 થી 2000 રૂપિયા કમિશન મળશે તેવી લાલચ આપી યુવકને ફસાવ્યો
વડોદરા તારીખ 13
ગોરવા આઇ ઓ સી એલ ટાઉનશિપમાં રહેતા અને કંપનીના જુનિયર એન્જિનિયર ને વિવિધ ટાસ્ક ઘરે બેઠા પૂરા કરશો તો દિવસના 1800 થી 2000 રૂપિયા કમાઈ શકશો તેવી લાલચ ઠગો દ્વારા આપવામાં આવી હતી. એન્જિનિયર ઠગોના ચુંગાલમાં ફસાઈ ગયો હતો તેઓએ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 28.53 લાખ ટ્રાન્સફર કર્યા હતા. લિંકમાં કમિશન સાથે 74.07 લાખ બતાવતા હતા. જો નાણા ઉપાડવા હોય તો વધુ રૂપિયા ભરવા પડશે તેમ કહેતા એન્જિનિયરને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેથી તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ગુજરાત રિફાઇનરીના આઈઓસીએલ ટાઉનશીપ ખાતે રહેતા
ઈશાન હરેશકુમાર ગોર 3.5 વર્ષથી આઈઓસીએલ કંપનીમાં જુનિયર એન્જિયર તરીકે નોકરી કરું છું. ગત 21 જુલાઈના સોશિયલ મીડિયા SITA BHASHIN નામથી મેસેજ આવ્યો હતો. જેમાં તેઓએ વર્ક ફ્રોમ હોમ કામ કરવાની મેસેજ દ્વારા વાત કરી હતી અને કામ કરશો દિવસના 1800 – 2000 રૂપિયા કમાઈ શકશો તેવી લાલચ આપી હતી.
એન્જિનિયરને તેમના પ્રોફેશન વિશે વાતોમાં પરોવીને તમને આ કામ કરવામાં ઇન્ટરેસ્ટ હોય તો તેમનો સ્ટાફ સામેથી તમારો સંપર્ક કરશે. ત્યારબાદ એક સોશિયલ મીડિયા આઈડી પરથી મેસેજ આવ્યો હતો અને તેમણે એક ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા. આ EXCELLENCE TEAM નામના ગ્રુપમાં 1331 મેમ્બર હતા અને તેના એડમીન ઓમ પ્રકાશ હતા. આ ગ્રુપમાં એક લિંક ઓપન કરી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. લિંકમાં ટાસ્ક આપવામાં આવતા હતા અને તે ટાસ્કના વળતર પેટે રૂપિયા 22 હજાર તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા. જેના કારણે એન્જિનિયરને તેમના પર વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ ઠગોએ બેન્ક એકાઉન્ટની માહિતી માંગતા તેમના પિતરાઈ ભાઈ દીપહિનકુમાર ગો૨ના એકાઉન્ટની માહિતી આપી હતી.
એન્જિનિયર યુવકને વિશ્વાસમાં લીધા બાદ તમારું હવે પ્રીમિયમ એકાઉન્ટ થઈ ગયુ છે. જેથી જો તમે તેમાં રૂપિયા ભરી ટાસ્ક પૂરા કરશો તો તમને ટાસ્કના બદલે સારું એવું વળતર મળશે. શરુઆતમાં રૂપિયા પરત આપ્યા હોય એન્જિનિયરને તેમના પર ભરોશો હતો. જેથી એન્જિનિયરે લિન્ક પર કસ્ટમર સર્વિસમાં આપવામાં આવેલા બેન્ક એકાઉન્ટમાં રૂ.28.53 લાખ જમા કરાવ્યા હતા. તેમને લિંકમાં કમિશન સાથે રૂ. 74.07 લાખ બેલેન્સ હતું અને ટ્રાન્જેક્શનની હિસ્ટ્રી પણ બતાવતી હોય તેમને પૂરેપૂરો વિશ્વાસ હતો. ત્યારબાદ એન્જિનિયર યુવકે રૂપિયા ઉપાડવાનું કહેતા ઠગોએ વધુ રૂપિયા ભરવા માટે જણાવ્યું હતું અને રૂપિયા ઉપાડી આપ્યા ન હતા. આમ વર્ક ફ્રોમ હોમ કરીને રોજના 1800 થી 2000 રૂપિયા કમાવવાની લાલચ આપીને ટાસ્કના બહાને રૂપિયા 28.53 લાખ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. તે ભરેલા રૂપિયામાંથી માત્ર 22 હજાર જ પરત આપી બાકીના રૂ. 28.30 લાખ આજ દિન સુધી પરત નહિ આપી આઇ ઓ સી એલ ના એન્જિનિયર સાથે ઠગાઈ કરવામાં આવી હતી. જેથી એન્જિનિયરે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.