ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને સહીસલામત બાળકને નીચે ઉતાર્યો
વડોદરા તા.4
વડોદરા શહેરના વાડી વિસ્તારમા મામાને ઘરે આવેલો સગીર બાળક માનસિક રીતે બીમાર હોય તેને બાંધી રાખ્યો હતો. દરમિયાન સગીર બાળક દોરડુ છોડીને ધાબે ચડી ગયો હતો અને માતા પિતા સહિતના લોકોને તમે ઉપર આવશો તો હુ નીચે કુદી પડીશ તેવી ધમકી આપતો હતો. જેના કારણે પરિવાર સહિતના લોકોના જીવ પડીકે બંધાયા હતા. મામાએ ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવીને બાળકને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે નીચે ઉતારી પરત સોંપ્યો હતો.
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં ખાનગાહ મહોલ્લામાં રહેતો 16 વર્ષીય સગીર બાળક માનસિક રીતે બીમાર હોય તેના માતા પિતા દ્વારા તેને છેલ્લા 15 દિવસથી ઘરમાં બાંધીને રાખ્યો હતો. દરમિયાન સગીર બાળકને લઇને તેના માતા પિતા મોગલવાડા વિસ્તારમાં રહેતા તેમના ભાઇના ઘરે ગયા હતા. ત્યાં પણ બાળકને બાંધી રાખવામાં આવ્યો હતો. દરમિયાન એકાએક બાળકે દોરડુ છોડી નાખ્યું હતું અને મકાનના ધાબા પર ચડી ગયો હતો. જો તમે ધાબા પર આવશો તે હુ કુદીને આત્મહત્યા કરી લઇશ તેવી ધમકી આપતો હતો. જેના કારણે પરિવાર સહિતના લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. મહોલ્લામાંથી લોકો બહાર દોડી આવ્યા હતા જેના કારણે બારે હોબાળો મચી ગયો હતો. જેથી બાળકના મામાએ વડોદરા ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક વાડી વિસ્તારમાં જ્યાં બાળક ધાબા પર ચઢી ગયો હતો ત્યાં પહોંચી ગઇ હતી અને સહીસલામત રીતે બાળકનું રેસ્કયુ કરીને તેને નીચે ઉતારી લીધો હતો. જેથી પરિવાર સહિતના લોકોને હાશકારો થયો હતો.