મુંબઇ–અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટને લઈને અલકાપુરી ગરનાળાના રોડ પર ગડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને કારણે 26 ડિસેમ્બર 2025થી 12 જાન્યુઆરી 2026 સુધી અલકાપુરી ગરનાળાની અંદરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રતિનિધિ | વડોદરા | તા. 26
મુંબઇ–અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના C-5 પેકેજ અંતર્ગત એલ એન્ડ ટી દ્વારા વડોદરા શહેરમાં સિવિલ વર્કની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત કડકબજારથી અલકાપુરી ગરનાળા તરફના રોડ પર ગડર લોન્ચિંગની કામગીરી થવાની હોવાથી ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.
આ નિર્ણયને પગલે અલકાપુરી ગરનાળાની અંદરથી અવરજવર કરતા તમામ પ્રકારના વાહનો માટે 26 ડિસેમ્બર 2025થી 12 જાન્યુઆરી 2026 સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરીજનોને અગવડ ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે ચાલી રહે તે હેતુથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા વૈકલ્પિક ટ્રાફિક રૂટ સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.
આ 18 દિવસની અવધિ દરમિયાન હજારો વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કડકબજાર નાકાથી અલકાપુરી ગરનાળા થઈ અલકાપુરી રોડ તેમજ પ્રોડક્ટિવિટી નાકાથી અલકાપુરી ગરનાળા થઈ સયાજીગંજ રોડ–રેલવે સ્ટેશન તરફ વાહન વ્યવહાર બંધ રહેશે.
વૈકલ્પિક રૂટ તરીકે વાહનચાલકો કડકબજાર નાકાથી રેલવે સ્ટેશન તરફ, કાલાઘોડા થી ડેરીડેન સર્કલ, સુર્યા પેલેસ હોટલ ચાર રસ્તા, જેતલપુર બ્રિજથી વલ્લભચોક તેમજ પ્રોડક્ટિવિટી નાકાથી વલ્લભ ચોક ચાર રસ્તા થઈ જેતલપુર બ્રિજ મારફતે પોતાના ગંતવ્ય તરફ જઈ શકશે.