Vadodara

વડોદરા : અમેરિકાના વિઝા કરાવી આપવાના બહાને વૃદ્ધ પાસેથી ઠગ એજન્ટે રૂ.26.80 લાખ ખંખેર્યા





વડોદરા તારીખ 5

ગોરવા ગામમાં રહેતા વૃધ્ધના પુત્ર, પુત્રવધુ અને પૌત્રીને અમેરિકા જવાના વિઝા બનાવી આપવા બહાને એજન્ટે રૂ.26.80 લાખ પડાવ્યા હતા. 6 મહિના થઈ ગયા છતાં વિઝા માટેની કોઈ પ્રોસેસ કરી ન હોય વૃધ્ધે એજન્ટ પાસે રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ એજન્ટ રૂપિયા આપતો ન હતો કે વિઝા પણ બનાવી આપ્યા ન હોય તેના વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગોરવા ગામમાં રહેતા દિલીપભાઈ મનુભાઈ પટેલ (ઉ.વ.62) નિવૃત્ત જીવન ગુજારે છે. વર્ષ 2023માં નવરાત્રીના ગરબા રમવા માટે તેમની પૌત્રી ગઈ હતી. ત્યારે કનુ બાબુ પટેલ (રહે. છાણી જકાતનાકા વડોદરા) પણ પૌત્રી સાથે ગરબા રમવા માટે આવ્યો હતો. ત્યારે મોરેશીયસ ખાતે ગરબા રમવા માટે સિલેકશન થયું હોવાનું કહીને તેમની પૌત્રી દીયાને મોરેશીયસ ખાતે કનુ પટેલ ગરબા રમવા લઈ ગયો હતો અને પ્રોગ્રામ પૂરો થઈ ગયા બાદ પૌત્રીને પરત ઘરે પણ મૂકી ગયો હતો. કનુ પટેલ સાથે સંપર્ક થયા બાદ તે વૃધ્ધની શિવ ટ્રેડર્સ ખાતે અવાર નવાર આવતો હતો. ત્યારે તેણે વૃદ્ધને વિદેશ જવા માટેના વિઝા બનાવી આપવાનું કામ પણ કરે છે તેમ જણાવ્યું હતુ. જેથી વૃધ્ધના પુત્ર અંકીત પટેલ, પુત્ર વધૂ અર્પિતા પટેલ તથા પૌત્રી દિયાને અમેરીકા જવા વૃધ્ધે કનુ પટેલને તેમના અમેરીકા ખાતેના વિઝા તથા ટીકીટનું કામ કરવા વાત કરી હતી. ત્યારે તેણે એક વ્યક્તિ દીઠ રૂ.9 લાખ થાય છે તમારા ત્રણ લોકોના રૂ.27 લાખ વિઝા કરાવવા માટેનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. 6 મહિનામાં વિઝાનુ કામ પૂર્ણ કરી આપશે તેવો કનુ પટેલે વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ વિઝાની કાર્યવાહિ કરવા કનુ પટેલને વૃદ્ધે ડોક્યુમેન્ટ આપ્યા હતા તેમજ એજન્ટે પ્રોસેસ કરવા માટે તેમની પાસે નાણાની માંગણી કરતા વૃદ્ધે આરટીજીએસ તેમજ રોકડા મળીને રૂપિયા 26.80 લાખ જેટલી માતબર રકમ ચૂકવી દીધી હતી. 6 મહિના બાદ વૃધ્ધે ફોન કરી વિઝા બાબતે પુછપરછ કરતા કનુ પટેલે ફાઇલની કાર્યવાહી ચાલુ છે તેમ કહી તેમને આશ્વાસન આપ્યુ હતું . ત્યારબાદ તપાસ કરતા વૃદ્ધને જાણ થઈ હતી કે કનુ પટેલે પુત્ર, પુત્ર વધૂ તથા પૌત્રીના વિઝાની ફાઈલ માટે કોઈ પ્રોસેસ કરી નથી. જેથી તેઓએ કનુ પટેલ પાસે નાણાની માંગણી કરતા તે ખોટા વાયદા કરી રૂપિયા આપતો ન હતો. ત્યારે આ એજન્ટે કનુ પટેલે આજ દિન સુધી વૃદ્ધના પુત્ર, પુત્રવધુ અને પૌત્રીના અમેરીકા ખાતેના વિઝા બનાવી આપ્યા ન હતા અને ચૂકવેલા રૂપિયા 26.80 લાખ પણ પરત માંગવા છતાં નહીં આપતા વૃધ્ધે કનુ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top