ટાઉન પ્લાનિંગ શાખામાં ચાલતા એક હથ્થુ શાસનનો અંત લાવવા માળખું વિખેરવુ જરૂરી :
ભ્રષ્ટાચારથી ખદબદી ઉઠેલા ટાઉન પ્લાનિંગ વિભાગમાં એક અધિકારીના વ્યવહારથી કેટલાય લોકો ત્રસ્ત :
( પ્રતિનિધિ ) વડોદરા તા.20
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં લાંબા સમયથી ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે શાસન ચલાવતા અધિકારી માલેતુજાર બની ગયાની વિગતો ખુલ્યા બાદ અને ટાઉન પ્લાનિંગ શાખામાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવા મ્યુનિસિપલ કમિશનરે અમદાવાદની જેમ રાજકોટમાં પણ ટાઉન પ્લાનિંગ ઓફિસરની સત્તાનો વિકેન્દ્રીકરણ કરતો પરિપત્ર જાહેર કર્યો છે. ત્યારે તેમના નિર્ણયથી સમગ્ર રાજકોટમાં તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વડોદરા મહાનગર પાલિકામાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં પણ આ પ્રકારની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેવા સવાલો ઉઠ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર વધતા 50 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ન થયો હોય તેવો હુકમ કરી મ્યુનિસિપલ કમિશનરે સર્વપ્રથમ વખત ટીપી બ્રાન્ચનું સંપૂર્ણ માળખું વિખેર તો હુકમ કર્યો છે. અહીંયા પણ હાલ સુધી ફક્ત એક જ ટાઉન પ્લાનિંગ ઓફિસર હસ્તક સંપૂર્ણ વહીવટ હતો. પરંતુ અમલી થયેલા નવા હુકમ મુજબ હવેથી પાલિકા ના ત્રણ ઝોનમાં અલગ અલગ ત્રણ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાથેનું નવું સ્ટાફ સેટઅપ કાર્યરત થશે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં પણ એક અધિકારીના કારણે આમ નાગરિક ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે મલાઈદાર વ્યવહાર મળતા જ ગેરકાયદેસર રીતે ફાઈલો પાસ કરવી રજા ચિઠ્ઠીઓ આપી દેવી અને તમામ પ્રકારની પરવાનગી નીતિ નિયમોને નેવે મૂકી આપવામાં આવી રહી છે. જ્યારે આમ નાગરિક કામ અર્થે જાય તો તેને ધરમના ધક્કા ખાવા પડતા હોય છે અને નિયમો આગળ ધરવામાં આવતા હોય છે. પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વખતે આ અધિકારીને ઉચ્ચકક્ષાના પાવર અને બાઉન્સર પણ આપવામાં આવ્યા હતા. વધુમાં સુત્રોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ ફાઈલ આવે ત્યારે તેની એક કોપી માનીતા વ્યક્તિને પાસ થાય છે. અને કહ્યા મુજબ તેના કામમાં વાંધો ઉઠાવી એક નિયત રકમ વ્યવહાર પેટે લીધા પછી જ પરવાનગી આપવામાં આવતી હોય છે. જોકે હાલના મ્યુનિસિપલ કમિશનર આ બાબતથી અજાણ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદ બાદ રાજકોટના મ્યુ.કમિશનરે ટાઉન પ્લાનિંગ શાખામાં મુખ્ય ટાઉન પ્લાનિંગના એક હથ્થુ શાસનનો અંત લાવવા સત્તાનું વિકેન્દ્રીકરણ કરતો પરિપત્ર જાહેર કર્યો હતો. જેની રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં પ્રશંસા થઈ રહી છે. ત્યારે વડોદરા મનપના ટાઉન પ્લાનિંગ વિભાગમાં પણ ચાલતા એક હથ્થુ સાશનનો અંત લાવવા આવી કાર્યવાહી થવી જોઈએ તેવી પાલિકાના વર્તુળોમાં ચર્ચાઓ ચાલી હતી.