પથારાધારકની રજૂઆત બાદ પણ તંત્ર ભર નિંદ્રામાં :
( પ્રતિનિધિ )વડોદરા,તા.23
વડોદરા શહેરના સ્માર્ટ તંત્રનો વધુ એક બેદરકારીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે શહેરના બરોડા ડેરીથી તરસાલી આઈટીઆઈ તરફ જવાના માર્ગે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, છતાં આ મામલે તંત્ર ભર નિંદ્રા માણી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં એક તરફ લોકોને પૂરતા પ્રેશરથી પીવાનું ચોખ્ખું પાણી મળી રહ્યું નથી, તેવામાં શહેરના અનેક વિસ્તારોમાં અગાઉ પીવાના પાણીની લાઈનમાં ભંગાણો પડ્યા હતા. જેના કારણે પીવાના પાણીનો બગાડ થયો હતો. એક તરફ શહેરમાં વિકાસના કામોની કામગીરી દરમિયાન પણ ખાડા ખોદવામાં આવ્યા છે. આ વખતે પણ ઘણા વિસ્તારમાં પાણીની લાઈનો લીકેજ થઈ હતી, તેમ છતાં કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેવામાં ફરી એક વખત વડોદરા શહેરના બરોડા ડેરીથી તરસાલી આઇટીઆઇ તરફ જવાના રસ્તા ઉપર પીવાના પાણીની લાઈનમાં ગઈકાલથી લીકેજ થયું છે. ત્યાંના સ્થાનિક એક પથારાધારક દ્વારા પણ આ મામલે પાલિકાને જાણ કરવામાં આવી છે, છતાં પણ આજ દિન સુધી કોઈ મરામતની કામગીરી કરવામાં નહીં આવતા હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી વહી રહ્યું છે.