વડોદરા તા.3
કારેલીબાગ વિસ્તારમાં ખુલ્લા ઘરમાંથી મોબાઇલની ચોરી કર્યા બાદ વારસિયામાં ચાલતા જઈ રહેલી વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડીને ભાગનાર એક સગીર રીઢા આરોપી સહિત બે જણાને ક્રાઈમ બ્રાન્ચે સ્મશાન રોડ પરથી ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી સોનાની ચેન મોબાઈલ અને મોપેડ મળી રૂ.1.79 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કારેલીબાગ અને વારસિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા બાઈક પર તથા રીક્ષામાં ફરતી ટોળકી દ્વારા મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર ચોરી કરનાર ગેંગના સાગરિતોને ઝડપી પાડવામાં આવે છે. તેમ છતાં શહેરમાંથી મહિલા અને વૃદ્ધાની સોનાની ચેન આંચકી લેવાના બનાવો તો બનતા જ રહે છે. 27 ડિસેમ્બરના રોજ વારસીયા વિસ્તારમાં એક વૃદ્ધા ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન મોપેડ પર આવેલા બે ગઠિયાઓ પૈકી પાછળ બેઠેલા શખ્સે વૃદ્ધાના ગળામાં હાથ નાખીને સોનાની ચેન તોડી હતી. પરંતુ ચાલાકીથી વૃધ્ધાએ પકડી રાખતા અડધો ટુકડો તૂટી ગયો હતો. જે ગઠીયા લઈને ફરાર થઈ ગયા હતા. જેની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં વૃધ્ધાએ નોંધાવી હતી. ગઠિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ અને હ્યુમન હ્યુમન સોર્સના આધારે તપાસ કરી હતી. દરમિયાન ઠેકકરનાથ વિસ્તારમાં મોપેડ સાથે એક સગીર સહિત બે જણા શંકાસ્પદ હાલતમાં ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંનેની પૂછપરછ કરી હતી કે અઠવાડિયા પહેલા એકિટવા પર કારેલીબાગ આમ્રપાલી ચાર રસ્તા પાસેના મકાનમાંથી મોબાઇલની ચોરી કરી હતી અને ત્યારબાદ વારસિયામાં ચાલતા જઈ રહેલા વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડતા અડધી તૂટી જતા તેઓ તે ટુકડો લઈને ભાગ્યા હતા. જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની પાસેથી સોનાની ચેઈનનો ટુકડો, મોબાઇલ અને મોપેડ મળી રૂ. 1.69 લાખનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી માટે વારસીયા અને કારેલીબાગ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.