( પ્રતિનિધિ )વડોદરા,તા.19
વડોદરામાં વરસાદની શરૂઆતે શરૂ થયેલો ભુવા પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળ્યો છે. તેવામાં શહેરના અટલાદરા ટ્રીહાઉસ શાળાની બહાર જ માર્ગ પર ગુરુવારે સવારે ભુવાએ આકાર લીધો છે.
કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ભ્રષ્ટાચારના કારણે શહેરના રોડ રસ્તાઓની હાલત દયનિય બની છે. શાસકો કોન્ટ્રાકટરના હાથો બનીને કામ કરી રહ્યા હોય તેમ કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે કમરતોડ વેરો ભરતા નાગરિકો પ્રાથમિક સવલતોથી વંચિત રહેતા હોય છે. જે પ્રજાએ પોતાના મત આપી પોતાની સમસ્યાને વાચા આપનાર પ્રતિનિધીને ચૂંટીને લઈ આવ્યા આજે એજ પ્રતિનિધિ લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવા તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. દર એક બે દિવસે નવા નવા વિસ્તારોનો ભુવો પડવામાં ઉમેરો થઈ રહ્યો છે. તેવામાં અટલાદરા ટ્રીહાઉસ સ્કૂલ બહાર ગુરુવારે સવારે ભુવો આકાર પામ્યો હતો. જેની જાણકારી ઓલ ગુજરાત વાલીમંડળ વડોદરા શહેરના પ્રમુખ દિપક પાલકરે આપી હતી. પોતાના પુત્રને શાળાએ મુકવા જતા ભુવો નજરે પડતા તેમણે આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. મહત્વનું છે કે શાળા બહાર જ આ ભુવો પડ્યો છે. જો કોઈ બાળકને આ ભુવાના કારણે જાનહાનિ થશે તો જવાબદાર કોણ ? હાલ તો ભુવાને બેરીકેટ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે. ત્યારે, વધુ એક વખત તંત્રની પોલ ઉઘાડી પડી હતી.