વડોદરા તા.8
અટલાદરા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય મનબુદ્ધીની યુવતી સ્કૂલમાં જવા માટે ફ્લેટ નીચે સ્કૂલ વાનની રાહ જોઈને ઉભી હતી. ત્યારે ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ દ્વારા દીકરીના શારીરિક અડપલા કર્યા હતા. જેથી માતાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી મંદબુદ્ધિની હોય તેને સંકલ્પ સ્કુલમાં અભ્યાસ માટે મુકવામાં આવી હતી. દિકરીનો સ્કુલે જવાનો સમય સવારના દસ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીનો છે. માતાએ તેમની દીકરીને સ્કુલે જવા આવવા માટે સ્કુલની વાન બંધાવી છે અને સ્કુલની વાન સવારના સાડા નવ વાગ્યાની આસપાસ આવે છે. 7 જાન્યુઆરીના રોજ માતા દિકરીને તૈયાર કરી સવારના સાડા નવ વાગ્યે તેને ટાવરની નીચે ઉતરવા કહયું હતું અને માતા ઠંડી વધારે હોય સ્કાપ લેવા માટે ઘરમાં રોકાય ગયા, જેથી દિકરી લિફ્ટ મારફતે નીચે ગયા બાદ ટાવરની નીચે ઉભી રહી હતી. ત્યારે ફ્લેટના સિક્યુરીટી ગાર્ડ લક્ષ્મણ કાશી પરમાર (રહે.અક્ષરપ્રાઇડ, કલાલી રોડ, કલાલી, વડોદરા) મન બુદ્ધિની યુવતી સાથે શારીરિક અડપલા કરતો હતો. જેથી પાડોશી મહિલાએ તેને જોઈ જતા યુવતીની માતાને જણાવ્યું હતું કે તમારા ટાવરની નીચે બેસતા સિક્યુરીટીવાળા કાકાએ તમારી દિકરીના શરીર ઉપર ગંદી રીતે સ્પર્શ કરી છેડતી કરતો હતો. ત્યારબાદ માતાએ દિકરીને પુછતા તેણે જણાવ્યું હતું કે હું વાનની રાહ જોઇ ખુરશીમાં બેસી હતી. ત્યારે આ સિક્યુરીટીવાળા કાકાએ મારા શરીર ઉપર હાથ ફેરવ્યો હતો.જેના કારણે માતાના પગની નીચેથી જમીન સરકી ગઈ હતી. જેથી માતાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગાર્ડની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.