Vadodara

વડોદરા : અટલાદરાની કંપનીના બેન્ક ખાતામાંથી કર્મચારીએ રૂ. 35 લાખ ઉપાડી ચાઉ કર્યાં

વડોદરા:

અટલાદરા ખાતે આવેલી પ્રાઇવેટ કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી કર્મચારીએ રૂ. 35.01 લાખની બારોબાર ઉપાડી વાપરી નાખીને ઉચાપત કરી હતી. વિદેશથી પરત આવેલા ડાયરેક્ટરે એકાઉન્ટની તપાસ કરાવતા તેના કાંડનો પર્દાફાસ થયો હતો. કર્મચારી પાસે રૂપિયાની માગણી કરતા માત્ર રૂ.11.75 લાખ આપી બાકીના રૂ. 23.36 લાખ ચુકવતો ન હતો. જેથી તેના વિરુદ્ધ કંપનીના એકાઉન્ટન્ટે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી એસ્ટા વિઝનકેર પ્રાઇવેટ લિમિટેટ કંપનીના એકાઉન્ટન્ટ  મિતેશ જનકભાઇ ખરાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે અમારી કંપનીમાં રાજીવકુમાર સિંઘ (રહે. ઝારખંડ) કંપનીમાં એક્ઝયુકેટિવ ડાયરેક્ટર તરીકે નોકરી કરતા હતા. તેમને કંપની તરફથી એક લેપટોપ પણ અપાયું હતું. જેમાં કંપનીનો તમામ હિસાબ તથા ડેટા સ્ટોર કરાતો હતો. નેટબેન્કિંગના ટ્રાન્જેક્શનનો અધિકાર પર રાજકુમાર સિંઘને આપી દેવાયો હતો. તેઓ મહિનામાં એકથી બેવાર કંપનીમાં આવતા હતા અને ત્રણથીચાર દિવસ અહિયા રોકાતા હતા ત્યારબાદ પરત જતા હતા. ડાયરેક્ટર અરુણકુમાર સિદ્ધનાથ પ્રસાદ સિંહા મેથી જુલાઈ વિદેશમાં રહ્યા બાદ પરત આવતા કંપનીના કર્મચારીઓએ તેમને ફરિયાદ કરી હતી કે તેમને પગાર ચુકવાયો નથી. જેથી તેઓએ કંપનીના એકાઉન્ટની તપાસ કરવા જણાવ્યું હતું. બેન્ક એકાઉન્ટની તપાસ દરમિયાન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવકુમાર સિંઘના કૌભાંડનો ભાંડો ફુટી ગયો હતો. જેમાં તેણે કંપનીના બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા 35.01 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા બાદ બારોબાર ઉપાડી ઉચાપત કરી હતી. જેથી ડાયરેક્ટર અરુણકુમાર તેમને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ ઉપાડતા ન હતા. વારંવાર સંપર્ક કરતા રાજીવકુમાર સિંઘે ઉચાપત કરેલા રૂ. 35.36 લાખની રકમ ચૂકવી આપવા માટેની કબૂલાત કરી હતી. ત્યારબાદ ટુકડે ટુકડે કરીને રૂ. 11.75 લાખ ઓનલાઇન કંપનીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જ્યારે બાકીના 23.36 લાખ તથા લેપટોપ આજદીન સુધી પરત નહી આપી રાજીવકુમાર સિંઘ છેતરપિંડી આચરી છે. જેથી પોલીસ તેના વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.

Most Popular

To Top