વિદેશ પ્રવાસના બહાને યુવક પાસેથી રૂ 2.43 લાખની છેતરપિંડી કરનાર ટુર ઓપરેટર સહિત બે ઠગ વિરુદ્ધ ફરિયાદ
Vadodara : અઝરબૈજાન દેશના બાકુ શહેરમાં વિદેશ પ્રવાસ જવા માટે વિઝા તથા ટિકીટ આપવાના બહાને વડોદરા શહેરમાં રહેતા એક યુવક પાસેથી રૂ.2.43 લાખ પડાવી લઈ બે ઠગ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી ખાતે મોકલ્યા બાદ ત્યાં અલગ અલગ ખોટી ટિકિટો મોકલી હતી. જેથી યુવકે રૂપિયા પરત માંગતા રૂપિયા પરત નહીં આપતા બંને ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતા 20 વર્ષીય સાકીબ ગુલામમયુદ્દીન મંસુરીએ ફરિયાદ નોંધાવી છે કે મેં અઝરબૈજાન દેશના બાકુ ખાતેના વિદેશ પ્રવાસનું નક્કી કર્યું હતું અને તેના વિઝા તથા ટિકિટ માટે નવાબ ટુર્સના માલિક હાસ્મીન નવાબનો સંપર્ક કર્યો હતો. હાસ્મીને સમીર મુની સાથે મુલાકાત કરાવી હતી. ત્યારે સમીર મુનીએ
અજયકુમાર નટવરલાલ શર્મા (રહે.નરસિંહ ખડકી, સોની પાડા, ગોધરા, જિ. પંચમહાલ) સાથે સંપર્ક કરાવ્યો હતો. અજયકુમાર વિદેશ પ્રવાસનું કામ કરે છે તેમ જણાવીને સમીરે સાકીબને વિશ્વાસ કેળવ્યો હતો. અલમાસ અપાર્ટમેન્ટમાં આવેલી નવાબ ટુર્સની ઓફિસમાં મુલાકાત બાદ અજયકુમાર અને સમીરે પ્રવાસનો કુલ ખર્ચ 2.50 લાખ રૂપિયા થશે તેમ જણાવ્યુ હતું. સાકીબે સંમતિ આપતાં તેમને કમલાનગર ખાતે આવેલી દિવ્યા પ્લાઝા સ્થિત અજયકુમારની ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં બંને ઠગોએ જેટલા જલ્દી પૈસા આપશો તેટલા જલ્દી વિઝા અને ટિકિટ બુક થઈ જશે. જેથી સાકીબે અજયકુમારને ઓનલાઇન રૂ. 2.43 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ અજયકુમારે તમે સામાન લઈને દિલ્હી જતા રહો ત્યાં ટિકિટ મોકલી આપીશ. યુવક દિલ્હી ગયો અને ત્રણ દિવસ રોકાયો હતો પરંતુ કોઈ ટિકિટ મળી નહોતી. ત્યારબાદ એક ટિકિટ મોકલી હતી પરંતુ તેમાં લખેલી લિમિટ માત્ર 15 કિલો જણાઈ હતી, જ્યારે સમજૂતી મુજબ 25 કિલો હોવી જોઈએ. જેથી ટિકિટ કેન્સલ કરવી પડી હતી.આરોપીઓએ વારંવાર ટિકિટ મોકલી અને વિવિધ કારણોસર કેન્સલ કરી હતી. યુવકને પોતાની સાથે ફ્રોડ થયો હોય તેવી આશંકાએ બંને પાસે રૂપિયા પરત માંગ્યા હતા. જે રૂપિયા આજ દિન સુધી પરત નહીં આપતા યુવકે બંને ઠગ અજયકુમાર નટવરલાલ શર્મા અને સમીર મુની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.