Vadodara

વડોદરા : અક્ષતા સોસાયટીમાં પાણીની તંગીનો મુદ્દો ઉકેલવાની તજવીજ, ૫૦ વર્ષ જૂની પાઇપલાઇન બદલાશે

પાલિકા ઉઠાવશે ૮૦ ટકા ખર્ચ, રહીશો સંમત હોય તો શરૂ થશે કામ

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની અક્ષતા સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા જોવા મળી રહી હતી. સોસાયટીના ૩૮ મકાનોમાં પીવાના પાણીની તંગી થતી હતી અને ઓછા દબાણથી પાણી આવતું હતું. આ સમસ્યાને લઈને રહીશો ગત શુક્રવારે માટલા ફોડી વિરોધ પણ નોંધાવ્યો હતો. રહિશોની ફરિયાદને પગલે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન સોસાયટીમાં લાગેલી પાઇપલાઇન લગભગ ૫૦ વર્ષ જૂની હોવાનું સામે આવ્યું હતું. વિભાગે જણાવ્યુ કે, પાઇપલાઇન અંદરથી બહુ જ જૂની થઇ ગઈ છે અને તેમાં ઠેરઠેર સિલ્ટ ભરાઈ ગયેલી જોવા મળી, જેના કારણે પાણીનો પ્રવાહ સારી રીતે થતો નથી.

વિભાગના જણાવ્યા અનુસાર ટૂંકાગાળાના ઉકેલ તરીકે ૫૦થી ૭૦ મીટર જેટલી પાઇપલાઇન બદલી દેવી જરૂરી બની છે. સાથે જ મકાનો સુધીના નળના કનેક્શન પણ બદલવા પડશે. પાણી પુરવઠા વિભાગે સ્પષ્ટ કર્યું કે, જો રહીશો તૈયાર હોય તો મહાનગરપાલિકા કુલ ખર્ચમાંથી ૮૦ ટકા ખર્ચ ઉઠાવશે. હવે રહીશોની સંમતિ અને સહભાગીતાની રાહ જોવાઈ રહી છે. જો રહીશો સંમતિ આપે તો તાત્કાલિક નવી પાઇપલાઇન નાખી સમસ્યાનો હલ કરવામાં આવશે.

Most Popular

To Top