માંજલપુર વિસ્તારમાં ઉભેલી કાર પાછળ એક્ટિવા ભટકાતા ચાલકને ઈજા, તેને સારવાર માટે મોકલતા હોસ્પિટલમાંથી ભાગી ગયો, પિતા ડીવાયએસપી હોવાનો ખોટો દમ મારનાર નબીરાની ધરપકડ
વડોદરા તા.5
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે ઉભી રાખેલી કાર પાછળ એકટીવા ધડાકાભેર અકસ્માત કરીને ઘુસી ગઈ હતી. જેથી ઇજાગ્રસ્ત એકટીવા ચાલકને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યારબાદ તે ભાગી ગયો હતો. એકટીવાની પાછળ બેઠેલા યુવક ચિક્કાર નશો કરેલી હાલતમાં લોકો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. તેને દાદાગીરી કરવા સાથે કહ્યું હતું કે,મારા પપ્પા ડીવાયએસપી છે, હું પીધેલો છું તમારાથી થાય તે કરી લેજો. જોકે પોલીસે તપાસ કરતા બહાર આવ્યું છે કે આ નબીરાના પિતા ડીવાયએસપી નથી. તે માત્ર પિતા ડીવાયએસપી હોવાનો ખોટો દમ મારી રહ્યો હતો.
વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસે એક ઉભી રાખવામાં આવી હતી. ચાર જૂનના રોજ રાત્રિના સમયે એક ઉભેલી કાર પાછળ ચાલકે ધડાકાભેર એકટીવા અથાડીને અકસ્માત કર્યો હતો. જેમાં અકસ્માત કરનાર એકટીવા ઉપર બે યુવકો બેઠેલા હોય જેમાંથી પાછળ બેઠેલો જય મુકેશ પટેલ (રહે. સનસિટી સોસાયટી, વડોદરા) ચિક્કાર નશો કરેલી હાલતમાં હતો. કારને ટક્કર મારી બંને યુવાનો નીચે પડી ગયા હતા. જ્યાં એકટીવા ચાલક દીપ પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત ના કારણ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. તેમાંથી એક જાગૃત નાગરિકે 108 ઈમરજન્સી નંબર પર ફોન કર્યો હતો. 108 તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને દિપ પટેલને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ ગઈ હતી. ત્યારે હોસ્પિટલમાંથી એકટીવા ચાલક ભાગી ગયો હતો. અકસ્માત બાદ એકટીવાની પાછળ બેઠેલા જય મુકેશ પટેલ નશાની હાલતમાં ત્યાં હાજર લોકો સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ જય પટેલને કેટલો દારૂ પીધેલો છે તેવું પૂછતા જય પટેલે અકળાઈ ગયો હતો અને દાદાગીરી કરવા સાથ ધમકી આપી હતી કે, મારા પપ્પા ડીવાયએસપી છે, હું પીધેલો છું, તમારાથી થાય તે કરી લેજો. ત્યારબાદ જય પટેલ યુવક સાથે ગાળાગાળી પણ કરી હતી. જોકે પોલીસે તપાસ કરતા આરોપી જય કોઈ ડીવાયએસપીનો પુત્ર નથી. જયના પિતા વેપારી છે અને મકરપુરા જીઆઇડીસીમાં તેમનો શેડ છે. જેથી પોલીસે પીધેલાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. જ્યારે હોસ્પિટલમાંથી ભાગી ગયેલા એકટીવા ચાલક દીપ પટેલની શોધખોળ શરૂ કરવામાં આવી છે. માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.પી. ખરાદીએ જણાવ્યું હતું કે, તુલસીધામ ચાર રસ્તા પાસે કાર પાછળ એકટીવા ચાલકે એકટીવા ઘુસાડી દીધી હતી. જેથી ઇજાગ્રસ્ત એકટીવા ચાલકને સયાજી હોસ્પિટલ લઈ જવાતા તે ભાગી ગયો છે. જેથી તેને શોધખોળ શરૂ કરી છે. તેના ઘરે જઈને પણ તપાસ કરી હતી પરંતુ તે મળી આવ્યો નથી. તેની એકટીવા જપ્ત કરી છે અને અને તેની પાછળ બેઠેલા જય પટેલ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.