વડોદરા હાલોલ રોડ પર ઈકો ગાડી પર ઓવર લોડેડ સામાન સાથે મુસાફરો બેસાડી જોખમી સવારી
RTO અને હાઈવે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા

( પ્રતિનિધિ )વડોદરા,તા.20
શહેરમાં અને હાઈવે પર અકસ્માતોની વણઝાર લાગી છે. તેવામાં વડોદરા હાલોલ રોડ પર ઈકો ચાલકે કાર પર ઓવર લોડેડ સામાન મૂકી ચાર જેટલા મુસાફરો બેસાડી મુસાફરી કરતા હોવાનો વીડિયો વાયરલ થવા પામ્યો છે. ત્યારે, આ પ્રકારની મુસાફરી કરાવતા ખાનગી ઈકો ચાલકો સામે RTO અને ટ્રાફિક પોલીસ ઘૂંટણીએ હોય તેમ લાગી રહ્યું છે.
વડોદરા શહેર જિલ્લામાં તેમજ હાઇવે ઉપર એક બાદ એક અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે કેટલાય નિર્દોષ નાગરિકો મોતને ભેટી રહ્યા છે તેમ છતાં પણ કેટલાક લોકો કમાવાની લ્હાયમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો ભરીને મુસાફરી કરતા હોય છે ત્યારે આવી જ એક મુસાફરી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વડોદરા શહેરમાં એક બાદ એક અવનવા વિડીયો સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને હાઇવે ઉપર જોખમી સવારીનો વિડીયો છાશવારે વાયરલ થતો હોય છે .ત્યારે વડોદરા શહેર નજીક હાલોલ રોડ ઉપર ઇકો ચાલકનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ઇકોના ચાલકે પોતાની કાર ઉપર ઓવરલોડેડ સામાન મુક્યો છે અને તેના ઉપર ચાર જેટલા મુસાફરો બેઠેલા છે જો કોઈ મોટી હોનારત થશે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.
