Vadodara

વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

મૃતદેહ પર ઇજાના નિશાન પડેલા હોવાના કારણે હત્યા કરાઇ હોવાની આશંકા

તાલુકા પોલીસ દ્વારા લાશને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ લવાઈ


પ્રતિનિધિ વડોદરા તા.10

વડોદરા જિલ્લાના અંકોડિયા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો મૃતદેહ અવાવરુ જગ્યા પરથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ગળાના ભાગે ફાંસો ખાધેલી હાલતમાં મળેલી લાશને ગળાના ભાગે ઈજાના નિશાન પડેલા હોય હત્યાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે તાલુકા પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
વડોદરા નજીક આવેલી અંકોડિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં એક યુવતીની લાશ પડેલા હોવાની જાણ સ્થાનિક વ્યક્તિએ પોલીસને કરી હતી. જેથી વડોદરા તાલુકા પોલીસના પીઆઇ વિક્રમસિંહ ટાંક અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિતના પોલીસ કાફલો તેમજ એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી દોડી ગઇ હતી. પોલીસે મતદેહનો કબજે મેળવી પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ મૃતક યુવતીની ઓળખ છતી થઈ નથી. પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવા સાથે આસપાસના લોકોની પણ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરાઇ રહી છે

ખેતરમાંથી યુવતીનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મૃતદેહની પ્રાથમિક તપાસ કરતા શરીર પર ઈજાના નિશાન મળી આવ્યાં છે. જેથી યુવતીની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી હોવાનું પ્રથામિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ અમારી અલગ ટીમો દ્વારા તપાસ કરાઇ રહી છે. વિક્રમ ટાંક, પીઆઇ તાલુકા પોલીસ સ્ટેશન

લાઇટની વ્યવસ્થા ન હોવાના કારણે આવી દુખદ ઘટના અવાર નવાર બની હોય છે
થોડા સમય પહેલાં પણ અહિયા જ એક યુવતી પાસે લૂંટની ઘટના બની હતી અને હવે યુવતીનો મૃતદેહ મળી આવ્યો, ગામના સુમસામ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નથી. જેને લઈને અમે પંચાયત દ્વારા વારંવાર વુડાને લાઇટ બાબતે રજૂઆત કરી છે. પરંતુ કોઇ ધ્યાન આપતુ નથી અને કોઇ કાર્યવાહી પણ કરાતી નથી. અલ્પેશભાઇ, અંકોડિયા ગામના અગ્રણી

Most Popular

To Top