Vadodara

વડોદરા : અંકોડિયા કેનાલમાં 19 વર્ષીય યુવક ખાબક્યો, હત્યાની આશંકા

વડોદરા તા. 17

વડોદરાના અંકોડિયા ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં 19 વર્ષીય યુવક ખાબકયો હોવાની વર્ધી ફાયર બ્રિગેડને મળતા ટીમના જવાનો દ્વારા ગઈકાલથી અત્યાર સુધી પણ તેની શોધખોળ કરાઈ રહી છે પરંતુ હજુ સુધી યુવકનો કોઈ પતો લાગ્યો નથી. બીજી તરફ યુવકના ભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેનો ભાઈ કેનાલમાં પડ્યો નથી પરંતુ તેને ધક્કો મારીને પાડવામાં આવ્યો છે. એક યુવતી સહિત બે લોકો પર તેના ભાઈને મારી નાખ્યો હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેર નજીક આવેલા અંકોડીયા ગામમાં રહેતા અગ્રેસ ઉર્ફે અમન યાદવ (ઉ. વ.19)ને તેનો મિત્ર 16 એપ્રિલના રોજ અંકોડીયા ગામે આવેલી નર્મદા કેનાલ પાસે લઈ ગયો હતો. દરમિયાન અગ્રેસ યાદવ અગમ્ય કારણોસર કેનાલ ના પાણીમાં ખાબક્યો હતો. મોડી રાત સુધી યુવક પરત ઘરે નહીં આવતા પરિવારના સભ્યો દ્વારા તેની શોધખોળ શરૂ કરાઈ હતી. દરમિયાન કેનલ પાસે લઈ જનાર યુવકે ડૂબી જનાર અગ્રેસના ભાઈને ફોન કરીને તમારો ભાઈ કેનાલમાં પડી ગયો હોવાની જાણ કરી હતી. જેથી અગ્રેસના ભાઈએ લક્ષ્મીપુરા પોલીસને આ બાબતે જાણ કરતા પોલીસે ફાયર બ્રિગેડને પણ તાત્કાલિક ઘટના સ્થળ પર બોલાવી લીધી હતી અને તપાસ શરૂ કરતાં કેનાલ પાસેથી અંગ્રેજ ઉર્ફે અમન યાદવના ચંપલ પડેલા જોવા મળ્યા હતા. અગ્રેસના ભાઈ અભિષેક યાદવે જણાવ્યું હતું કે મારો ભાઈ કેનાલમાં પડ્યો નથી પરંતુ તેને ધક્કો મારીને પાડવામાં આવ્યો છે કારણ કે કોઈપણ વ્યક્તિ મોબાઈલ લઈને કેનાલમાં નાહવા પડશે નહીં. મને કેનાલ પાસે બોલાવનાર યુવક તથા અન્ય એક યુવતી મિત્ર છે તેના પર શંકા છે. જેથી પોલીસે શંકાના આધારે તેના મિત્ર અને યુવતીની શંકાસ્પદ તરીકે પૂછપરછ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જોકે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગઈકાલ 16 એપ્રિલ ના રોજ થી અત્યાર સુધી કેનાલના પાણીમાં શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી અગ્રેસ યાદવનો કોઈ હતો પતો લાગ્યો નથી.

Most Popular

To Top