દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આહવાનને અનુસરીને વડોદરા લોકસભાના સાંસદ ડૉ. હેમાંગ જોષી દ્વારા તેમજ વડોદરા ભાજપાના સહયોગથી આયોજિત સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડોદરાના યુવા સાંસદ ડૉ. હેમાંગ જોષી દ્વારા આયોજિત “રમશે વડોદરા જીતશે વડોદરા” અભિયાન અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન તારીખ ૯ ડિસેમ્બરથી ૧૨ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા દરેક સાંસદને ખેલ સ્પર્ધાના આયોજન અંગે પ્રેરણા આપવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ વડોદરા શહેરના રમતવીરોને પ્રોત્સાહન આપવું તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદિલીને વધુ વેગ આપવાનો હતો. સમગ્ર આયોજન સાંસદ ડૉ. હેમાંગ જોષીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ ખેલ સ્પર્ધામાં ઇન્ડોર અને આઉટડોર રમતો જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, ચેસ, મલખંભ, સૂર્ય નમસ્કાર, હોકી, ફૂટબોલ, કરાટે, સ્વિમિંગ, સ્કેટિંગ અને એથ્લેટિક્સ જેવી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનું આયોજન શહેરના અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું.આજરોજ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા ભવ્ય સમાપન સમારોહમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, દંડક શૈલેષ પાટીલ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. વિજય શાહ, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, ધારાસભ્ય મનિષાબેન વકીલ, મેયર, ડેપ્યુટી મેયર ,ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી સહિત અનેક કાઉન્સિલરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ ખેલ સ્પર્ધામાં અંદાજે ૧૧ જેટલી જુદી જુદી રમતોમાં ૧૫ હજારથી વધુ ખેલાડીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. સમાપન સમારોહમાં જુદી જુદી રમતોના વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મહાનુભાવોએ દિવ્યાંગ ખેલાડીઓને પણ મળીને તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેણે ખેલ ભાવના અને યુવા ઉત્સાહને ઉજાગર કર્યો હતો.


કાર્યક્રમ ના મુખ્ય બિન્દુઓ
- પહેલા માત્ર 5-6 રમતો જ યોજાતી હતી, હવે અમે તેને વધારીને 11 રમતો સુધી લાવ્યા છે.
- ભારતીય રમતો જેમ કે મલ્લખમ્બ, ખો ખો અને યોગાસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- સાથે સાથે સંસદ ખેલ સ્પર્ધા કરવાથી ખેલાડીઓ જે શરૂઆતના સ્તરે છે તેમને પ્રોત્સાહન મળે છે અને રમતો પ્રત્યે રુચિ વિકસે છે.
- કુલ 15,000 ભાગીદારી 11 રમતો દ્વારા જોવા મળી. અગાઉ એ આંકડો આશરે 8000 જેટલો જ હતો.
- સંસદ ખેલ સ્પર્ધા દ્વારા ખેલો ઈન્ડિયા જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેની શરૂઆતની તૈયારી મળી જાય છે.
- આશરે 3000-4000 તામ્ર અને રજત ચાંદીના મેડલ આપવાના રહેશે.
- આ વખતે convenor ની નિમણૂક કરવામાં આવી છે જેમણે સંપૂર્ણ રમતપ્રક્રિયા ઉપર નિરીક્ષણ કર્યું જેથી રમતો ન્યાયી રીતે થાય. અગાઉ આવું કદી થયેલું ન હતું.
- પહેલીવાર સંસદ ખેલ સ્પર્ધામાં દિવ્યાંગો માટે પણ રમતોનું આયોજન થયું છે.
- 5 વર્ષના બાળકોથી લઈને 76 વર્ષ સુધીના ખેલાડીઓએ ભાગ લીધો છે.

