શહેરના નટુભાઇ સર્કલ પાસે આવેલ પસાભાઇ પાર્ક પાસેના વૃંદાવન એસ્ટેટ માં વરસાદી તેમજ ડ્રેનેજના પાણી ફરી વળતાં સ્થાનિકોને હાલાકી
સ્થાનિકોમાં તંત્ર તથા સ્થાનિક ધારાસભ્ય અને કાઉન્સિલરો સામે નારાજગી
(પ્રતિનિધિ) વડોદરા તા. 07
શહેરમાં એક તરફ સતત વરસાદને પગલે નદી નાળા છલકાવવાની તૈયારીઓમાં છે ત્યારે બીજી તરફ શહેરના નટુભાઇ સર્કલ પાસે આવેલા પસાભાઇ પાર્ક તથા વૃંદાવન એસ્ટેટ માં વરસાદી પાણી ભરાયાં છે તદ્પરાંત ડ્રેનેજના પાણી બેક મારતા સોસાયટીમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેના કારણે સોસાયટી ના લોકોએ તંત્ર ની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
એક તરફ રાજ્યમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.ઉપરવાસમા પણ સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતના વડોદરા શહેરમાં પણ અવિરત વરસાદ વરસ્યો છે જેના કારણે શહેરના નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યાં છે જ્યારે બીજી તરફ શહેરના પોષ ગણાતા વિસ્તાર એટલે નટુભાઇ સર્કલ પાસે આવેલા પસાભાઇ પાર્ક અને વૃંદાવન એસ્ટેટ ખાતે વરસાદી પાણી ની સાથે સાથે ડ્રેનેજના પાણી બેક મારતાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખાસ કરીને સિનિયર સિટીઝન્સ બિમાર તથા શાળા કોલેજોમાં જતાં વિધ્યાર્થીઓ સહિત તમામ વર્ગના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે સ્થાનિકોએ તંત્ર દ્વારા ફક્ત ડ્રેનેજની સફાઇ કરી સંતોષ માનવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા સાથે જ ગતવર્ષે અને આ વર્ષે આવી પરિસ્થિતિ અહીં ઉભી થઇ છે અહીં ચૂંટાયેલા ધારાસભ્યો, નગરસેવકો ફક્ત ચૂંટણી સમયે મોટા વાયદાઓ કરી વોટ માંગવા માટે આવે છે અને ચૂંટણી પૂરી થયા બાદ કોઇ કામ કરતા ન હોય આજે પોષ વિસ્તારમાં સોસાયટી ઝૂંપડપટ્ટી જેવી બની ગઈ હોવાના સ્થાનિકોએ આક્ષેપો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.