ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો; આખરી યાદી 11 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ થશે
મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું સત્તાવાર સમયપત્રક જાહેર
વડોદરા: ભારતનાં ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા મતદાર વિભાગોની મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિશેષ ઝુંબેશ માટેનું સત્તાવાર સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદાર યાદીને ચોક્કસ, ભૂલરહિત અને અદ્યતન બનાવવાનો છે, જેથી લોકશાહી પ્રક્રિયા વધુ મજબૂત બની શકે.
મુસદ્દા મતદાર યાદી 18 ડિસેમ્બર, 2024ના રોજ પ્રસિદ્ધ
મતદાર યાદી સુધારણા પ્રક્રિયાનો પ્રારંભ તા. 18 ડિસેમ્બર, 2024ના રોજ મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ સાથે થશે. મુસદ્દો જાહેર થતા જ નાગરિકો પોતાના નામ, સરનામા કે અન્ય વિગતોમાં સુધારા કરવા માટે હકક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે.
નવા યુવા મતદારો માટે વિશેષ તક
તા. 18 ડિસેમ્બર, 2024 થી તા. 01 જાન્યુઆરી, 2026 સુધી મતદારો પોતાના હકક દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકશે. ખાસ કરીને તે યુવાનો, જેમની ઉંમર તા. 01 જાન્યુઆરી, 2026ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ થતી હોય, તેઓ આ સમયગાળામાં પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે.
અરજીઓની ચકાસણી અને નિકાલની પ્રક્રિયા
હકક દાવાઓ અને વાંધા અરજીઓ મળ્યા બાદ, ચૂંટણી અધિકારીઓ દ્વારા તેની ચકાસણી અને નિકાલ કરવામાં આવશે. નોટિસ ઇશ્યૂ કરવી, સુનાવણી લેવી તથા સ્થળ ચકાસણી જેવી તમામ પ્રક્રિયાઓ EROs દ્વારા તા. 18 ડિસેમ્બર, 2024 થી તા. 10 ફેબ્રુઆરી, 2026 સુધી હાથ ધરવામાં આવશે.
—
આખરી મતદાર યાદી 11 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર
તમામ સુધારા, વાંધા-સૂચનો અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. 11 ફેબ્રુઆરી, 2026ના રોજ વડોદરા જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જાહેર કરાયેલ સમયપત્રકનો અભ્યાસ કરી, મુસદ્દા યાદીમાં પોતાની વિગતો તપાસે અને જરૂરી હોય તો સમયમર્યાદામાં અરજી કરીને લોકશાહીના આ મહત્વપૂર્ણ દસ્તાવેજને અદ્યતન બનાવવા સહયોગ આપે.