વડોદરા તારીખ 15
વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી પોલીસે 1.81 લાખના 18.140 કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ગાંજો મોબાઈલ અને રોકડ રકમ મળી રૂ. 1.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યા બાદ આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ શરૂ કરાઈ છે.

પશ્ચિમ રેલવેમાં દોડતી વિવિધ ટ્રેનોમાં એમડી, ગાંજો અને વિદેશી દારૂ સહિતના નશા યુક્ત પદાર્થની હેરાફેરી થતી રહેતી હોય છે. જેના કારણે નાયબ પોલીસ મહાનિર્દેશક સરોજકુમારી દ્વારા સ્થાનિક સ્વરાજય ચુંટણીને લઈને રેલ્વે ટ્રેનો મારફતે ગેરકાયદે માદક પદાર્થ હથિયાર, નાણાં, વિસ્ફોટક પદાર્થ સહિતની વસ્તુઓની હેરાફેરી ન થાય તેની તકેદારી રાખી આરોપીઓને ઝડપી પાડવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે વડોદરા રેલવે પોલીસ, બીડીડીએસ અને કયુઆરટી ટીમ સાથે 14 ફેબ્રુઆરીના રોજ વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ઘરવામાં આવ્યુ હતું. તે દરમ્યાન પ્લેટફોર્મ નંબર 2 ઉપર બેસવાના બાંકડા ઉપર એક શખ્સ બેઠેલો હોય પોલીસને શંકાસ્પદ લાગતા તેની પાસે જઈને તેની પાસેના ટ્રોલીબેગમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બિશીકેશન લૌચન્દ્ર બેહેરઘલાઇ (રહે.બદાકાંગીયા, દાદાકાંગીયા, તા.બાલીગોડા, જી.-કંધમાલ, ઓડીશા) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે 18.140 કિલોગ્રામ ગાંજો રૂા.1.82 લાખ, એક મોબાઇલ અને રોકડ રકમ મળી 1.87 લાખનો મુદ્દામાલ કબજે કરી ગાંજો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ શરૂ કરી છે.