મેયર મેડમ અને સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબ, કિશનવાડીના રહીશોને દુર્ગંધથી મુક્તિ ક્યારે મળશે ?
ટ્રાન્સફર સાઇટના નામે ડમ્પીંગ, દુર્ગંધ, આરોગ્ય સંકટ અને તંત્રના વચનોથી થાકી ગયેલા સ્થાનિકો પાસે કોઈ વિકલ્પ નથી !

વડોદરાના કિશનવાડી ચાર રસ્તા ગધેડા માર્કેટ પાસે પાલિકા દ્વારા કચરાની ડમ્પીંગ સાઇટ ચલાવવામાં આવી રહી છે, જોકે પાલિકાનો દાવો છે કે આ ડમ્પીંગ સાઇટ નહીં પરંતુ ટ્રાન્સફર સાઇટ છે એટલે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી અહીં કચરો ઠાલવવામાં આવે છે અને એ કચરો બાદમાં પાલિકાની મુખ્ય ડમ્પીંગ સાઇટ પર લઈ જવાય છે. પરંતુ અહીં રહેતા સ્થાનિકોના મતે અહીં પાલિકા દ્વારા કચરો ઠાલવ્યા બાદ ચાર ચાર દિવસ સુધી હટાવવામાં આવતો નથી. મોટા મોટા ઢગલા થાય ત્યાં સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. વધુમાં તેમનું કહેવું છે કે, અનેકવાર મહાનગર પાલિકા ખાતે રજૂઆતો કરી છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ડમ્પીંગ સાઇટમાંથી આવતી દુર્ગંધને લીધે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંદાજે છેલ્લા દસ વર્ષથી કાર્યરત આ સાઇટને લીધે અવાર નવાર બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર પણ સીધી અસર થતી હોય છે. વધુમાં ચોમાસાની ઋતુમાં અહીં ખૂબ જ ગંદકી થતી હોવાનું પણ સ્થાનિકોની કહેવું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016 અનુસાર રહેણાંક વિસ્તારમાં ખુલ્લેઆમ કચરો નાખવો કે ડમ્પિંગ સાઇટ ચલાવવી કાયદેસર નથી. પરંતુ વડોદરા મહાનગર પાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં જ કચરાની ડમ્પીંગ સાઇટ ચલાવવામાં આવી રહી છે. વધુમાં, પાલિકા દ્વારા તાજેતરમાં જ દુર્ગંધથી મુક્તિ મળે તે માટે કરોડો રૂપિયાનું કેમિકલ પણ ખરીદવામાં આવ્યું છે પરંતુ આ કેમિકલ ક્યાં વપરાય છે તે પણ હવે પ્રશ્નો સર્જે છે. આજે આ ડમ્પીંગ સાઇટની આસપાસ રહેતા હજારો લોકો આ દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ ડમ્પીંગ સાઇટની બિલકુલ બાજુમાં અગાઉ એક શાક માર્કેટ પણ ચાલતું હતું પરંતુ આ દુર્ગંધના ત્રાસથી શાક માર્કેટના વેપારીઓએ ત્યાંથી ખાલી કરી અન્ય જગ્યાએ જવું પડ્યું. અને હાલ શાક માર્કેટની જે વિશાળ જગ્યા ખાલી પડી છે ત્યાં દિવસે તેમજ ખાસ કરીને રાત્રે અસમાજિક પ્રવૃત્તિઓ થતી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
દુર્ગંધમાં દફન થઇ ગયેલ અરજી : અરવિંદભાઈની પીડા
છેલ્લા વીસ વર્ષથી આ વિસ્તારમાં હું રહું છું. શારીરિક તકલીફ આવતા મારે મારી નોકરી છોડવી પડી અને અહીં આ નાની કાપડની દુકાન શરૂ કરી છે. છેલ્લા દસ વર્ષથી આ કચરાના ઢગલામાંથી દુર્ગંધ આવે છે અને અમે મજબૂરીમાં એ સહન પણ કરી રહ્યા છીએ. અમારી વાતને કોઈ સંભળાતું નથી. અનેક વાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં અમારી રજૂઆતની અવગણના થતી રહી છે. હવે તો એવું લાગી રહ્યું છે કે, આખું જીવન આ દુર્ગંધમાં જ વિતાવવું પડશે. – અરવિંદભાઈ દરજી, સ્થાનિક
જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે : નંદાબેનની વ્યથા
કોરોના કાળ પછી પેટીયું રળવા માટે અહીં દુકાન શરૂ કરી હતી. આ ડમ્પીંગ સાઇટ પર પહેલા કેટલાક લોકોના મકાન હતા પરંતુ પાલિકા દ્વારા એ તોડી પડાયા અને અહીં આ કચરાના ઢગલા કરવામાં આવ્યા. હવે દિવસે દિવસે આ દુર્ગંધ વધી રહી છે. અમારા વિસ્તારમાં કોઈ નેતા કે અધિકારી જોવા પણ આવતા નથી. અમારી મજબૂરી છે એટલે પરાણે અહીં રહેવું પડે છે, બીજો કોઈ ઉપાય નથી. અનેક વાર અમે અમારી રજૂઆત પાલિકા સમક્ષ કરી છે પરંતુ કોઈ અમારી વાત સાંભળતું નથી. હવે આ દુર્ગંધમાંથી મુક્તિ મળે તેવું કઈ આયોજન થાય તો સારું. – નંદાબેન પરમાર, સ્થાનિક
આશ્વાસનો ઘણાં મળ્યાં, હવે અમને પગલાં જોઈએ!
તમે ગમે તે કરો કઈ થવાનું નથી. કોઈ અમને સાંભળતું નથી. આ ડમ્પીંગ સાઇટનું ગેટ પહેલા 16 ફૂટ હતું હવે 32 ફૂટ કરી દેવાયો છે. મુખ્યમંત્રી સુધી મેં રજૂઆત કરી છે તેમ છતાં હજુ કોઈ પગલા લેવાયા નથી. વડોદરા મહાનગર પાલિકામાં તો અનેક વાર રજૂઆતો કરી પરંતુ કોઈ અમારી વાત સાંભળતું નથી. જ્યારે જ્યારે રજૂઆત કરીએ ત્યારે ફક્ત આશ્વાસન જ આપવામાં આવે છે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કોઈ કોર્પોરેટર, નેતા અહીં જોવા આવતા નથી. હવે તો આ દુર્ગંધમાં જીવન મુશ્કેલ બની ગયું છે. પરંતુ અમારું કાયમી રહેઠાણ અહીં છે એટલે મજબૂરીમાં અમારે આ દુર્ગંધ સહન કરવી પડે છે. જ્યારે અધિકારીઓને રજૂઆતો કરી છે ત્યારે એવા જવાબો મળે છે કે, અમને બીજી જગ્યા મળશે એટલે અમે અહીંથી આ સાઇટ હટાવી લઈશું. – અશોકભાઈ ખત્રી, સ્થાનિક
આક્રોશ : સાહેબો અહીં રહેવા આવે તો ખબર પડે !
આ કચરાના ઢગલા અહીંથી હટે એ માટે અમે અત્યાર સુધી દસથી વધુ વખત અલગ અલગ રીતે રજૂઆતો કરી છે. પાલિકાની વાડી કચેરી ખાતે જઈને પણ અમે અનેક રજૂઆતો કરી છે. જે બાદ અધિકારીઓ અહીં મુલાકાત માટે પણ આવ્યા હતા અને અમને સમજાવ્યું કે, અમે અહીં કચરો ડમ્પ નથી કરતા, અહીં માત્ર શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી કચરો લાવવામાં આવે છે અને અન્ય મોટા વાહનોમાં આ કચરો અન્ય જગ્યાએ લઈ જવાય છે. પરંતુ અધિકારીઓ કહીને જતા રહે છે. પરંતુ અહીં ચાર ચાર દિવસ સુધી કચરાના ઢગલા એમ જ રાખવામાં આવે છે. સાંજના સમયે એટલી દુર્ગંધ આવે છે કે અહીં બે મિનિટ પણ ઊભું રહેવું મુશ્કેલ થઈ જાય છે. જે તે સમયે પાલિકાના સાહેબો અહીં આવ્યા હતા ત્યારે એવું કહેવાયું હતું કે બે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ છે, પૂરો થઈ જશે એટલે એની જગ્યાએ ખસેડી લઈશું. પરંતુ આજે વર્ષો વીતી ગયા પણ અમને આ દુર્ગંધમાંથી હજુ મુક્તિ મળી નથી. દિવસ દરમિયાન 60 થી વધુ ગાડીઓ અહીં કચરો ઠાલવવા આવતી હશે. આ કચરાની દુર્ગંધથી ઘણી સમસ્યા થઈ રહી છે. નાના બાળકો અને વૃદ્ધો અનેક વાર બીમાર પડે છે અને તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. કોર્પોરેશનના જે સાહેબોએ આ ડમ્પીંગ સાઇટ અહીં શરૂ કરવી છે તેમણે અહીં રહેવા આવું જોઈએ જેથી તેઓ કદાચ અમારી પરિસ્થિતિથી અવગત થાય. – પૃથ્વી સુર્વે, સ્થાનિક