કોર્પોરેશનની કચરો એકત્ર કરતી ગાડીએ કોઠી-સલાટવાળા રોડ પર સર્જ્યો અકસ્માત
વડોદરામાં ફરી એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરો એકત્ર કરતી ગાડીનો અશિસ્તભર્યો દોર સામે આવ્યો છે. કોઠી-સલાટવાળા રોડ પર ઓપન સપોર્ટ કચરો એકત્ર કરતી ગાડી દ્વારા એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં બાઈકસવાર બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
શહેરના કોઠી-સલાટવાળા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરો એકત્ર કરતી ઓપન સપોર્ટ ગાડી એક બાઈક સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાઈક સવાર ભરત હળપતિ અને રતિલાલ બારૈયાને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા અને ગાડીના ડ્રાઈવર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. અકસ્માતમાં ઘાયલ બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાની SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું સારવાર ચાલી રહ્યું છે. કારેલીબાગ પોલીસે સ્થળ પર પહોંચી ગાડીના ડ્રાઈવર સામે કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના પછી VMC ની કચરો એકત્ર કરતી ગાડીઓનો બેદરકાર દોર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અગાઉ પણ આવા અકસ્માતોના અનેક બનાવો સામે આવ્યા છે, છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ પણ VMC ના વાહનો માટે યોગ્ય નિયમો અમલમાં મૂકવા અને ડ્રાઈવરો માટે કડક નિયમો લાવવા માંગણી કરી છે.
