Vadodara

વડોદરામાં VMCના ભ્રષ્ટાચારની પોલ ખૂલી: દિવાળીપુરામાં રોડ ફાટ્યો, લાખો લિટર પાણીનો વેડફાટ!

કરોડોના રોડની ગુણવત્તા પર સવાલ: કોર્ટ સામે જ પાણીની લાઈન તૂટતાં રોડ ‘ટેટા’ જેવો ફૂલી ગયો, ભુવો પડવાની દહેશત

નાગરિકો તરસ્યા ને પાણીનો જળબંબાકાર: એક તરફ પીવાના પાણીની બૂમો, બીજી તરફ દિવાળીપુરા અને કલાલીમાં બે દિવસમાં લાઈન તૂટતાં તંત્ર સામે રોષ

વડોદરા શહેરના વિકાસના દાવાઓ વચ્ચે વડોદરા મહાનગર પાલિકા ના ભ્રષ્ટાચારની ગંધ ફરી એકવાર સપાટી પર આવી છે. શહેરના દિવાળીપુરા વિસ્તારમાં કોર્ટની સામેના મુખ્ય માર્ગ પર અચાનક પાણીની લાઈનમાં મોટું ભંગાણ સર્જાતા રોડની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે. આ ઘટનામાં માત્ર લાખો લિટર પીવાના પાણીનો વેડફાટ થયો એટલું જ નહીં, પરંતુ રોડ ફાટીને ફૂલી જતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, દિવાળીપુરામાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે રોડ ફાટી ગયો અને ફૂલીને ‘ટેટા જેવો’ થઈ ગયો. રોડ પર ચારેબાજુ પાણીની રેલમછેલ જોવા મળી હતી. એક તરફ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો પીવાના પાણીની સમસ્યા અંગે બૂમાબૂમ કરી રહ્યા છે, ત્યારે આ રીતે લાખો લિટર પાણીનું નુકસાન થતાં નાગરિકોમાં VMC વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રોડ પર પાણીનો ભરાવો અને તિરાડો પડવાના કારણે વાહનચાલકોમાં ગંભીર ચિંતા ઊભી થઈ છે. લોકોને ડર છે કે આ માર્ગ પર ગમે ત્યારે મોટો ‘ભુવો’ પડી શકે છે, જે ગંભીર અકસ્માત નોતરી શકે છે. આ રોડ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હોવા છતાં થોડા જ સમયમાં પાણીની લાઈન તૂટતા જ રોડની આ દશા થઈ છે, જે રોડ બનાવટમાં થયેલા ભ્રષ્ટાચાર તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
આ પ્રકારની ઘટના વડોદરા માટે નવી નથી. ગત રોજ (શનિવારે) કલાલી વિસ્તારમાં પણ પાણીની લાઈન તૂટવાની ઘટના બની હતી. અને તેના પગલે રવિવારે દિવાળીપુરામાં પણ લાઈન તૂટતા પાણી પુરવઠાની જાળવણીની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે. પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકો માટે આ બેવડો ફટકો છે.
VMC દ્વારા તાત્કાલિક કોઈ પગલાં લેવામાં ન આવતા, સ્થાનિક લોકોએ સ્વયં આગળ આવીને વાહનચાલકોને અગવડતા ન પડે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે જોખમી વિસ્તારની આસપાસ બેરિકેટિંગ કર્યું હતું. આ પગલાથી વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે નાગરિકોની જાગૃતિ અને સ્વયંસંચાલિતતા દેખાય છે. સવાલ એ છે કે આટલા મહત્વના માર્ગો પર આટલી હલકી ગુણવત્તાનું કામ કેમ કરવામાં આવ્યું? કમિશનર દ્વારા આ સમગ્ર મામલે ગુણવત્તા નિયંત્રણ વિભાગની નિષ્ફળતા અને રોડ કોન્ટ્રાક્ટર સામે કડક તપાસના આદેશ આપવા જોઈએ. ત્યાં સુધી, વાહનચાલકોને આ માર્ગ પર સાવધાની રાખવાની જરૂર છે.

Most Popular

To Top