એમ.એસ.યુનિવર્સિટી અને ડેરીડેન સર્કલ આસપાસ ખાસ તપાસ, તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 હેઠળ કાર્યવાહી, પોલીસ કમિશ્નરના “મિશન ક્લીન” અંતર્ગત કડક પગલાં
વડોદરા: શહેરમાં તમાકુ અને ધૂમ્રપાન નિયંત્રણ માટે પોલીસ કમિશ્નરના “મિશન ક્લીન” અંતર્ગત ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા સંયુક્ત રીતે આ ડ્રાઇવ યોજાઈ હતી.
જાહેર સ્થળે તમાકુ સેવન, ધૂમ્રપાન તથા નિયમોના ભંગ બદલ કુલ 23 ઇસમો સામે કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો છે. ખાસ કરીને એમ.એસ.યુનિવર્સિટી અને ડેરીડેન સર્કલ આસપાસના વિસ્તારોમાં ચુસ્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કલમ 4 તથા 6(2) હેઠળ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં આવી ઝુંબેશો વધુ કડક રીતે ચાલુ રહેશે અને જાહેરમાં તમાકુ સેવન કે ધૂમ્રપાન કરનાર સામે કડક પગલાં લેવાશે.
શહેરના આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાના હેતુથી “મિશન ક્લીન” અંતર્ગત આવા પગલાં લેવામાં આવી રહ્યા છે અને નાગરિકોને પણ નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.