નાગરિકો માટે અંતિમવિધિ મફત, રૂ. 7000 ખર્ચ અંગેના મેસેજ ખોટા
વડોદરા શહેરમાં 7 જુલાઈ 2025થી શહેરના તમામ 31 સ્મશાનનો વ્યવસ્થાપન હવેથી ખાનગી સંસ્થાઓના હવાલે આપવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાએ લીધેલા નિર્ણય મુજબ, ચાર ઝોનમાં વિભાજિત આ સ્મશાનોનું સંચાલન ત્રણ અલગ-અલગ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવ્યું છે. આ અંગે પાલિકાના આરોગ્ય અમલદાર અને સ્મશાન વ્યવસ્થાપનની જવાબદારી નિભાવતા ડૉ. દેવેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, આ નિર્ણય સ્થાયી સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે અને નાગરિકોની આરામદાયક સેવા માટે લેવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે, હવેથી નાગરિકોને અંતિમવિધિ માટે જે છાણાની રકમ ચૂકવવી પડતી હતી, તે સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. હવે આ તમામ ખર્ચ સંસ્થા ભોગવશે અને તે બાદમાં કોર્પોરેશન દ્વારા ચુકવાશે. તેથી નાગરિકોને હવે સ્મશાનમાં કોઈ પણ પ્રકારના ચૂકવણી કરવાને બદલે મફતમાં અંતિમવિધિ કરવાની સેવા મળશે. જોકે, હાલમાં સોશિયલ મિડિયા પર “હવેથી દરેક મૃતક માટે અંતિમવિધિ માટે રૂ. 7000 નાગરિકો પાસેથી લેવામાં આવશે” એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જે અંગે ડૉ. દેવેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે આ મેસેજ તદ્દન ખોટા અને ગેરમાર્ગે દોરનાર છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે આવા મેસેજોથી ભ્રમિત ન થાય અને અધિકૃત જાણકારી માટે પાલિકાની વેબસાઇટ કે આરોગ્ય વિભાગનો સંપર્ક જ રાખે.