મેયર અને પદાધિકારીઓના ફંડ અંગે વિવાદ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2025-26 ના અંદાજપત્ર અંગે આજે ભાજપના ધારાસભ્યો, સંગઠન અને કોર્પોરેશનના પદાધિકારીઓની મોટી સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન ગઈકાલે નાની સંકલન સમિતિમાં લેવાયેલા કેટલાક નિર્ણયો રદ કરવામાં આવ્યા હતા. જેમાં શહેરવાસીઓ માટે મહત્વના સમાચારમાં, 50 કરોડ રૂપિયાનો સફાઈવેરો ન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગતરોજ યોજાયેલી નાની સંકલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે મેયરની ખાસ ફંડની રકમ 1 કરોડમાંથી વધારીને 1.5 કરોડ કરવામાં આવશે, તેમજ ડેપ્યુટી મેયર અને ચેરમેનને 1-1 કરોડ રૂપિયાનો ક્વોટા ફાળવવામાં આવશે. આ ઉપરાંત, ભાજપના નેતા અને દંડક માટે પણ ખાસ ફંડ ફાળવવા તેમજ કોર્પોરેશનની તમામ સમિતિના અધ્યક્ષોને ગાડીની સુવિધા આપવાનો સૂચન કરવામાં આવ્યું હતું.
આજની મોટી સંકલન સમિતિની બેઠકમાં ગતરોજ થયેલા નિર્ણયોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં પદાધિકારીઓ માટે ખાસ ફંડ અને ગાડી ફાળવવા અંગેના નિર્ણય પર ફરીથી વિચારણા કરવામાં આવી અને કેટલીક શરતો નક્કી કરાઈ છે. કોર્પોરેશનના કમિશનર દ્વારા અંદાજપત્રમાં જે 50 કરોડનો સફાઈવેરો લાગુ કરવાની ભલામણ કરવામાં આવી હતી તે મોટી સંકલન સમિતિએ પ્રસ્તાવ ફગાવી દીધો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજપત્રને લઈ સતત ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ શહેરી સેવાઓ માટે નાણાં ફાળવવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ પદાધિકારીઓ માટેના વિશેષ ફંડ અને સુવિધાઓને લઈ આંતરિક મતભેદો જોવા મળી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ અંતિમ અંદાજપત્રમાં શું ફેરફાર થાય છે અને આગામી સમયમાં વડોદરા નાગરિકોને શું સવલતો પ્રાપ્ત થાય છે.
