આર્ટ ગેલેરી અને ફાયર સ્ટેશન બિલ્ડિંગ સહિત અનેક પ્રકલ્પો લોકોને સમર્પિત

શહેરના વિકાસના પથ પર વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાતાં રૂ. 331 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા અને મેયર પિન્કીબેન સોનીના હસ્તે આ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વડોદરાની કલા અને સંસ્કૃતિ માટે મહત્વપૂર્ણ સમાન ગણાતી આર્ટ ગેલેરી, નવી બસો માટે ફ્લેગ ઓફ, ફાયર સ્ટેશન બિલ્ડિંગ સહિત અનેક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી.

શહેરના કલાનગરી ક્ષેત્રના કલાકારો છેલ્લા 8 વર્ષથી આર્ટ ગેલેરીની માંગ કરી રહ્યા હતા, જે હવે પૂરી થઈ છે. વડોદરાના બદામડી બાગ વિસ્તારમાં જરુરી તમામ આધુનિક સુવિધાઓ સાથે આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેનાથી શહેરના કલાકારો અને કલાપ્રેમીઓને એક આધુનિક મંચ મળશે. આજના કાર્યક્રમમાં મેયર પિન્કીબેન સોની, ડે,મેયર,મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી, સાંસદ ડૉ. હેમાંગ જોશી, વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા, દંડક શૈલેષ પાટીલ,કાઉન્સિલરો તથા વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિકાસકાર્ય માત્ર શહેરી સુવિધાઓ પૂરતી સીમિત નથી, પણ વડોદરાના ભવિષ્યને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે એક પગલું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટથી લઈને પ્રાથમિક સુવિધાઓ સુધીના વિકાસ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધે એ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. – ડૉ હેમાંગ જોશી, સાંસદ, વડોદરા
વડોદરામાં 331 કરોડના પ્રકલ્પોના ખાતમૂહૂર્ત અને લોકાર્પણનું આયોજન થયું છે, જેમાં આર્ટ ગેલેરી સહિત અનેક મહત્વના પ્રોજેક્ટ્સ શામેલ છે. આ વિકાસ કાર્યોને ચૂંટણી સાથે ન જોડવા હું નાગરિકોને અપીલ કરું છું, કારણ કે શહેરના ઉન્નતિ માટે લાંબા ગાળાની યોજનાઓ પર આધાર રાખવામાં આવે છે. – બાળકૃષ્ણ શુક્લા, દંડક, વિધાનસભા