Vadodara

વડોદરામાં 314 અનધિકૃત ધાર્મિક બાંધકામો તોડી પાડવાની નોટિસ

વડોદરા શહેરમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળોનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો

આ કાર્યવાહીમાં મંદિર અને દરગાહ બંનેનો સમાવેશ થાય છે

હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા 314 જેટલા ગેરકાયદેસર ધાર્મિક સ્થળો મંદિર અને દરગાહ બંને દૂર કરવા નોટિસ આપાઇ છે. હાઈકોર્ટે તંત્રને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવા તાકીદ કરી છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. હાઈકોર્ટના આદેશ બાદ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

હાઈકોર્ટે ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામને લઈને લાલ આંખ કરતાં તાત્કાલિક તોડી પાડવાનો આદેશ કર્યો છે. કોર્ટ નોંધ્યું કે રાજ્યમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. રાજ્યમાં ગેરકાયદેસર થયેલા ધાર્મિક બાંધકામ પર કોર્ટે લાલ આંખ કરતા તંત્રને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ગેરકાયદે બાંધકામ મુદ્દે અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા તંત્રને આદેશ કર્યો હતો.

વડોદરા શહેરમાં જાહેર સ્થળો અને માર્ગો પર ધાર્મિક સ્થળના નામે જગ્યાનો દુરૂપયોગ થઈ રહ્યો છે. ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામ મુદે હાઇકોર્ટે સુઓમોટો લીધી છે. વડોદરામાં આડેધડ ધાર્મિક બાંધકામ કરી નિર્દોષ નાગરિકોની જગ્યા પચાવી પાડવામાં આવે છે. પ્રજાની જગ્યાનો દુરુપયોગ ના થાય માટે કોર્ટે તંત્રને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા તેમજ ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો


મહત્વનું છે કે રાજ્યમાં અનેક સ્થાનો પર અનઅધિકૃત રીતે ધાર્મિક સ્થાનોનું બાંધકામ કરાયું હોવાની નોંધ લેતા સરકાર દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની રિટ દાખલ કરી હતી. સરકારે કોર્ટને જણાવ્યું કે રાજ્યમાં ઘણા સમયથી જાહેરમાર્ગો પર આડેધડ ધાર્મિક સ્થાનોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં હાઈકોર્ટ ગેરકાયદે ધાર્મિક બાંધકામ મુદ્દે લાલ આંખ કરતાં તંત્રને સાણસામાં લેતા કડક કામગીરીના આદેશ આપ્યા હતા.

2006 માં, ગુજરાત હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર સ્થળો પર કથિત અતિક્રમણ કરનારા ધાર્મિક બાંધકામોને દૂર કરવા માટે હાથ ધરવામાં આવેલા ડિમોલિશન અભિયાનની સ્વતઃ નોંધ લીધી હતી.

ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના 19 એપ્રિલ, 2024ના ઠરાવમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લા કલેક્ટરો દ્વારા રચાયેલી સમિતિઓને સુપ્રીમ કોર્ટના આદેશ પર પાલન અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.હાઇકોર્ટે ગુજરાતના ગૃહ સચિવ પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા કલેક્ટર સ્તરે રચાયેલી સમિતિઓની કામગીરી અંગે રિપોર્ટ માંગ્યો હતો. આ રિપોર્ટ 4 માર્ચે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. દરમિયાન, સરકાર દ્વારા દાખલ કરાયેલા જવાબ પર વિચાર કરતા, ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે અનધિકૃત ધાર્મિક બાંધકામોને દૂર કરવા, નિયમિત કરવા અથવા સ્થાનાંતરિત કરવાનું કામ સતત કરવામાં આવી રહ્યું છે.


સમય મર્યાદામાં જાતે દબાણ દૂર કરવા કહેવામાં આવ્યું

ધાર્મિક દબાણો દૂર કરવા બાબતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર જોશીને પૂછતા તેઓએ જણાવ્યું હતું તમામ વોર્ડ ઓફિસરને પોતાના વિસ્તારમાં થતા ધાર્મિક દબાણો અંગે નોટિસ આપવા કહેવાયું હતું. ચારેય ઝોનની થઈને 314 ધાર્મિક સ્થળોને જેમાં મંદિર અને દરગાનું સમાવેશ થાય છે તેવા ધાર્મિક સ્થળોને જાતે તોડી પાડવા અથવા સ્થળાંતર થવા માટે નોટિસ અપાઈ ગઈ છે. પરંતુ જો સમય મર્યાદામાં તેઓ પોતાની જાતે આ દબાણ દૂર નહીં કરે તો પાલિકા કાર્યવાહી કરવામાં ચૂકશે નહીં. જરૂર પડશે તો હાઇકોર્ટના કહેવા મુજબ લેન્ડ ગ્રેબિંગનો કેસ કરાશે.

Most Popular

To Top