વડોદરામાં પાણી કેમ ઓસરતા નથી? પૂર કુદરત સર્જિત નહીં પણ કોર્પોરેશન સર્જિત
વડોદરા શહેરમાં 13.5 ઈંચ જેટલો વરસાદ પડ્યાં બાદ જે સ્થિતિ સર્જાઇ છે તેના કારણોની ચર્ચા કરવામાં આવે તો પૂરની પરેશાની કુદરત કે માનવ સર્જિત નહીં પણ સંપૂર્ણપણે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન (વીએમસી) સર્જિત હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. ગાયકવાડી શાસન દરમિયાન ટોપોગ્રાફી એટલે કે ભૌગોલિકતાને ધ્યાનમાં રાખીને વડોદરાની નગરરચના કરાઈ હતી. 1886ની સાલમાં વડોદરા શહેરની અંદર 30 જેટલા તળાવ અને 150 નાના-મોટા નાળા હતા જ્યાંથી પૂર અને વરસાદી પાણીનો નિકાલ થતો હતો.
આ ઉપરાંત વિશ્વામિત્રીના કાંઠે મોટા કોતરો હતા. જે પૂરના ધસમસતા પાણી સામે કુદરતી રક્ષણ આપતા હતા. પરંતુ અત્યારે આમાંના 13 તળાવ અને 80થી વધુ નાળા ગાયબ થઈ ગયા છે. આ તળાવો અને નાળા પર પૂરાણ કરીને કાં તો રસ્તા બનાવી દેવાયા છે અથવા તો ઈમારતો ખડી કરી દેવાઈ છે. શહેરમાં પાણી ભરાયું અને બે દિવસથી શહેરીજનો જે વેદના વેઠી રહ્યા છે તેના માટે શહેરમાં થયેલું આડેધડ બાંધકામ, આયોજન વિનાનો વિકાસ અને સંપૂર્ણ મિસમેનેટમેન્ટ જવાબદાર છે.
વડોદરામાં ભૂગર્ભજળનું સતત નીચે જઈ રહેલું સ્તર પણ ખતરાની ઘંટડી સમાન છે, ગાયકવાડી શાસનમાં પૂરનિયંત્રણ તેમજ ભૂગર્ભજળની સપાટીને જાળવી રાખવા જ આટલા તળાવો અને નાળા બનાવાયા હતા. તે સમયે પૂર્વ ભાગમાં શહેરના પાંચ તળાવો- વારસિયા, મોહંમદ (વાડી), સરસિયા, અજબ-ગજબ અને રાજા-રાણીને ઈન્ટરલિંક કરાયા હતા અને ગુરુત્વાકર્ષણ બળથી ઉત્તર-દક્ષિણની રચનાને લીધે પાણી એક તળાવમાંથી બીજામાં આપોઆપ વહી જતું હતું.
સોલીડ વેસ્ટ નાંખીને કોતરો પૂરી દીધા
જે તે વખતના અધિકારીઓએ જ અણઘડ આયોજન કરીને વિશ્વામિત્રીના કોતરો કે જે પૂરના પાણી સામે શહેરને કુદરતી રક્ષણ આપતા હતા ત્યાં શહેરનો સોલિડવેસ્ટ નાંખીને તેને પૂરી દીધા છે. આ ઉપરાંત નાળા-તળાવો પૂરીને ત્યાં બાંધકામ કર્યા છે એટલે પુરની સ્થિતિ સર્જાઇ છે.
ભીમનાથ તળાવને પૂરી આવાસ યોજના બનાવી દેવાઇ
ભીમનાથ તળાવને પૂરીને ત્યાં આવાસ યોજના બનાવાઈ છે, પણ પોચી માટીમાં પાયા નંખાયા તો ઈમારત ગમે ત્યારે ગબડશે અને જાનહાનિ થશે તો કોણ જવાબદાર.. શહેરનું આડેધડ પ્લાનિંગ થાય છે અંતે પ્રજાની પરસેવાની કમાણીનો વેડફાટ થાય છે.
વડોદરામાં 1886માં 30 તળાવ હતા તેમાંથી 13 ગાયબ થઈ ગયા, 80 નાળા પૂરાઈ ગયા
By
Posted on