Vadodara

વડોદરામાં 17 જગ્યાએ પેઈડ પાર્કિંગ સુવિધા વિકસાવાશે

પાર્કિંગની હેરાનગતિથી રાહત તરફ વડોદરાનું પહેલું પગલું

મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય, ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે

વડોદરા:; શહેરમાં વર્ષોથી ચાલી આવતી પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકાએ હવે ગંભીરતા દાખવી છે. શહેરની વડી કચેરી ખાતે કમિશ્નર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાયેલી રિવ્યુ બેઠકમાં ડેપ્યુટી કમિશ્નર અને વિવિધ વિભાગોના અધિકારીઓ જોડાયા હતા. બેઠક દરમિયાન શહેરમાં ચાલુ તથા બાકી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરીને તેનું સમયસર સમાપન થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી.
આ બેઠકમાં ખાસ કરીને શહેરની વધતી ટ્રાફિક સમસ્યા અને અનિયમિત પાર્કિંગ સામેની અસરકારક વ્યવસ્થા માટે ચર્ચા કરાઈ હતી. કમિશ્નર અરુણ મહેશ બાબુએ માહિતી આપી હતી કે પાર્કિંગ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પ્રથમ તબક્કામાં શહેરની 17 જગ્યાઓ પર પેઈડ પાર્કિંગ સુવિધા વિકસાવવામાં આવશે. રોડ પર અસ્તવ્યસ્ત રીતે થતી ગાડીઓના પાર્કિંગને રોકવા આ નવી વ્યવસ્થા અમલમાં લાવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા અખબાર મારફતે શરૂ થશે.
કમિશ્નરે જણાવ્યું કે આ નવી પે એન્ડ પાર્ક યોજના પૂરી અમલમાં આવ્યા બાદ શહેરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર વધુ સુગમ બનશે તેમજ ટ્રાફિકના દબાણમાં ઘટાડો થશે. સાથે સાથે પાર્કિંગથી સંબંધિત આવકનો સ્તોત પણ નિર્માણ થશે જે શહેરના અન્ય સુવિધા સંબંધિત વિકાસ પ્રવૃત્તિઓમાં ઉપયોગી બનશે.
બેઠકમાં પીવાના પાણીની લાઇનના કામો તથા ડ્રેનેજ વ્યવસ્થાના સુધારણા કાર્યોની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી. ક્યાં વિસ્તારમાં કામ પૂર્ણ થયું છે અને ક્યાં હજુ બાકી છે તેની માહિતી મેળવવામાં આવી. કમિશ્નરે સંબંધિત અધિકારીઓને ખાતરીપૂર્વક અને સમયમર્યાદામાં તમામ કામો પૂર્ણ કરવા તેમજ નાગરિકોને હાલતી મુશ્કેલીઓમાંથી રાહત મળે તે માટે તકેદારી રાખવા સૂચના આપી.
વડોદરા મહાનગરપાલિકાના આ પગલાંથી શહેરના નાગરિકોમાં અપેક્ષા છે કે લાંબા સમયથી ચાલતી પાર્કિંગની સમસ્યાનું સમાધાન થશે અને શહેરનો ટ્રાફિક વ્યવહાર વધુ વ્યવસ્થિત બની રહેશે.

Most Popular

To Top