Vadodara

વડોદરામાં હોર્ડિંગ-ફ્રી શહેરનો દાવો પોકળ?


1લી માર્ચથી ઠરાવ અમલમાં, પણ પાલિકા જ હોર્ડિંગ્સ હટાવવામાં નિષ્ફળ!


વડોદરા શહેરને વધુ સુવ્યવસ્થિત અને સ્વચ્છ બનાવવા માટે સ્થાયી સમિતિએ 1લી માર્ચ 2025થી હોર્ડિંગ-ફ્રી, ટેમ્પરરી ગેટ-ફ્રી અને કમાન-ફ્રી શહેર બનાવવાનો મહત્વનો ઠરાવ પસાર કર્યો હતો. સત્તાધીશો દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને ઐતિહાસિક ઇમારતોની આસપાસ હોર્ડિંગ્સ માટે કોઇપણ પ્રકારની પરવાનગી આપવામાં નહીં આવે. પરંતુ 1લી માર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં હોર્ડિંગ્સ યથાવત જોવા મળ્યા, જેના કારણે આ ઠરાવ માત્ર કાગળ પર જ સીમિત રહી જવાનો સંકેત મળી રહ્યો છે. બજેટ બેઠક દરમિયાન કેટલાક સભ્યોએ પાલિકા, રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોને સ્વેચ્છાએ હોર્ડિંગ્સ હટાવવાની અપીલ કરી હતી, પરંતુ હકીકતમાં પાલિકા દ્વારા જ લગાવાયેલા હોર્ડિંગ્સ હજુ પણ રહેતા સત્તાધીશો પર સવાલો ઉઠી રહ્યા છે.

સ્થાયી સમિતિના ઠરાવ મુજબ, વડોદરામાં હોર્ડિંગ્સ-ફ્રી સિટીની પહેલની સાથે સાથે, LED સ્ક્રીન અને કિઓસ્ક લગાવવાની વ્યવસ્થા પણ કરી શકાશે. આ માટે એક ખાનગી એજન્સીને નિમવા માટેની યોજના છે, પરંતુ આ વ્યવસ્થા ક્યારે અમલમાં આવશે અને LED કિઓસ્ક માટેનું ભાડું કેટલું હશે, તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી. વડોદરા કોર્પોરેશન દ્વારા હોર્ડિંગ્સ-ફ્રી ઝુંબેશ ચલાવવાની જાહેરાત થઈ હતી, પણ 1લી માર્ચ સુધીમાં ખાસ કોઈ હોર્ડિંગ દૂર કરવામાં આવ્યું નથી. નગરપાલિકા દ્વારા જાહેર સ્થળો પરના મોટાભાગના હોર્ડિંગ્સ હટાવાય તે માટે ગતિશીલ કાર્યવાહી થવી જોઈએ, પરંતુ હકીકતમાં આ કામમાં કોઈ પ્રગતિ દેખાઈ નથી.

Most Popular

To Top